તળાવ વિસ્તારની કાયા-પલટ થઈ તેને એક આકર્ષક, મનોરંજક અને નૈસર્ગિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે
ભરૂચ.
ભરૂચ અંક્લેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (બૌડા) દ્વારા મોજે અંદાડા ખાતે આવેલ અંદાડા તળાવ બગીચાના બ્યુટિફિકેશન માટે રૂ. 4.63 કરોડના ખર્ચે મંજૂર થયેલ વિકાસકાર્યનું વિધિવત ખાતમુહૂર્ત 153-ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ એન. મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી તળાવ વિસ્તારને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવાનો ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
યોજનામાં મુખ્યત્વે ભવ્ય પ્રવેશદ્વાર અને સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે, જેથી તળાવ પરિસરમાં પ્રવેશ સુગમ બને અને ટ્રાફિકનું સંચાલન વ્યવસ્થિત રીતે થઈ શકે. સાથે જ કમ્પાઉન્ડ વોલના નિર્માણથી અનાધિકૃત ડમ્પિંગ અને અતિક્રમણ જેવી સમસ્યાઓને અસરકારક રીતે રોકી શકાશે.
મુલાકાતીઓ માટે આરામદાયક બેસવાની વ્યવસ્થા રૂપે બાંકડા અને ગઝેબો ઉભા કરવામાં આવશે, જે પરિવાર અને મિત્રવર્તુળ સાથે સમય વિતાવવા માટે અનુકૂળ વાતાવરણ સર્જશે. લેન્ડસ્કેપિંગ, ગ્રીન ડેવલપમેન્ટ અને સ્ટોન પિચિંગ દ્વારા તળાવ કિનારાના માટી ધોવાણને અટકાવવામાં આવશે તેમજ પર્યાવરણને અનુરૂપ હરિયાળો અને સ્વચ્છ વિસ્તાર વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટિંગ અને અન્ય ઇલેક્ટ્રિકલ વર્ક્સથી રાત્રિના સમયમાં પણ સુરક્ષિત અને પ્રકાશમય પરિસર ઉપલબ્ધ બનશે. વોકિંગ ટ્રેકની સુવિધાથી બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝન્સ સહિતના તમામ વર્ગના લોકો માટે આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે ઉત્તમ માહોલ મળશે.
આ સમગ્ર વિકાસકાર્ય પૂર્ણ થયા બાદ અંદાડા તળાવ વિસ્તારની કાયા-પલટ થઈ તેને એક આકર્ષક, મનોરંજક અને નૈસર્ગિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી સ્થાનિક નાગરિકો તથા મુલાકાતીઓને વિશેષ સુખદ અનુભૂતિ મળશે.
