સુરત ગ્રામ્યમાં થયેલી 24 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો, ₹18.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરત ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિવસ દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીના બનાવો વધતા પોલીસ માટે પડકાર ઉભો થયો હતો. આ મામલે સુરત જિલ્લા એલ.સી.બીની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી આંતરરાજ્ય સ્તરે ઘરફોડ ચોરીઓ કરનાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે અને 24 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
પોલીસે ઝડપાયેલ આરોપીની ઓળખ જીમી ઉર્ફે દીપક બિપિન શર્મા (ઉ.વ.33), રહેવાસી નંદુરબાર, મહારાષ્ટ્ર તરીકે કરી છે. આરોપી પલ્સર મોટરસાયકલ પર સોસાયટીઓમાં રેકી કરી દિવસ દરમિયાન બંધ મકાનો અને ફ્લેટને ટાર્ગેટ બનાવતો હતો. લોકોમાં શંકા ન જાય તે માટે સારા કપડાં પહેરી અને હેલ્મેટ લગાવીને સોસાયટીઓમાં ફરતો અને થોડા જ સમયમાં લોક તોડી ચોરીને અંજામ આપી ફરાર થઈ જતો હતો.
પોલીસ તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે નાકાબંધી ગોઠવી આરોપીને બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસે ચોરી કરવા માટેના સાધનો અને રોકડ રકમ પણ મળી આવી હતી. ત્યારબાદની પૂછપરછમાં આરોપીએ સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી, માંડવી, કોસાંબા, ઓલપાડ તેમજ કામરેજ સહિત અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું હતું.
પોલીસે આરોપીની પૂછપરછના આધારે દિલ્હી તથા ગોવા સુધી જઈ તપાસ કરી સોનાના દાગીના વેચાણમાંથી અંદાજે ₹15.55 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આરોપી પાસેથી રોકડ રૂપિયા, સોનાના દાગીના, બે પલ્સર મોટરસાયકલ, મોબાઇલ ફોન અને ચોરી કરવા ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ ₹18,82,630 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તપાસમાં સામે આવ્યું કે આરોપી ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ અનેક ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપી ચોરીમાંથી મળેલી રકમ મોજશોખ, ફરવા અને જુગાર રમવા માટે ખર્ચતો હતો.
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલુ છે.
