વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રસ્તાવિત રેલવે લાઇન હાઇવે પ્રોજેક્ટના વિરોધમાં ફરી એકવાર અસરગ્રસ્ત ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ઝંખવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ માંગરોળ ખાતે વિરોધ નોંધાવી પ્રોજેક્ટ રદ કરવાની માંગ ઉઠાવી હતી.
અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત પ્રોજેક્ટને કારણે ઝંખવાવ ગામના 26 કુટુંબોના કુલ 94 લોકોના આશરે 17 જેટલા મકાનો વિસ્થાપિત થવાની સ્થિતિ ઉભી થઈ રહી છે. જેના કારણે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
વિરોધ કાર્યક્રમ દરમિયાન બાળકો, મહિલાઓ અને ખેડૂતોએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. મોસાલી બજારથી માંગરોળ મામલતદાર કચેરી સુધી રેલી યોજી પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિને સંબોધીને માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રેલવે હાઇવે પ્રોજેક્ટ રદ કરવા સરકાર પાસે યોગ્ય નિર્ણય લેવાની માંગ સાથે અપીલ કરી હતી.
