ભરૂચ:
નાગરિકોને પારદર્શક અને ઝડપી સરકારી સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનસેવા કેન્દ્રોને આધુનિક બનાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે કલેક્ટર કચેરી ભરૂચ તેમજ આમોદ, હાંસોટ અને ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે આદર્શ જનસેવા કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રોનું સંભવિત રીતે તા. 14 માર્ચ, 2026ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
જિલ્લાના તમામ 9 તાલુકામાં મહેસૂલ વિભાગ હેઠળના જનસેવા કેન્દ્રોને હાઈ-ટેક બનાવવા માટે કુલ રૂ. 181 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ કેન્દ્રોમાં હવે 7/12 અને 8-અના ઉતારા, જાતિના દાખલા, રેશનકાર્ડ, આધાર કાર્ડ તથા ઈ-ધરા જેવી વિવિધ સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ બનશે.
વહીવટી તંત્ર દ્વારા ભરૂચ અને જંબુસર ખાતે “મારી યોજના પોર્ટલ હેલ્પ ડેસ્ક” શરૂ કરવામાં આવી છે, જ્યારે જંબુસર ખાતે બાળકો માટે ‘ઘોડિયા ઘર’ અને વાગરા ખાતે ‘કેફે જનસેવા’, ઈ-ધરા કેન્દ્ર અને ‘જનસેવા વન’ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ પહેલથી ભરૂચ જિલ્લામાં સુશાસન અને ડિજિટલ ગવર્નન્સને વધુ મજબૂતી મળશે.
