ભરૂચ.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પાણી સમિતિની મહિલા સભ્યો માટે મહિલા સશક્તિકરણ જાગૃતિ કાર્યશાળા યોજાઈ હતી. “પાણી અને સ્વચ્છતા, મહિલા અધિકાર અને સ્વરોજગારી” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પાણી વેરા પ્રોત્સાહન યોજના અંતર્ગત 18 ગ્રામ પંચાયતોને કુલ રૂપિયા 15.19 લાખના પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં વાસ્મો (WASMO)ના ડેપ્યુટી મેનેજર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમના ઉદ્દેશ અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ભરૂચ જિલ્લા કો-ઓર્ડિનેટર, વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ પાણી સમિતિમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વરોજગારી અને મહિલા અધિકારો અંગે પણ મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી.
આ ઉપરાંત અતાપી સેવા ફાઉન્ડેશન, જંબુસરના પ્રોગ્રામ મેનેજર તથા પ્રોજેક્ટ હેડ દ્વારા બહેનોને સરકારની વિવિધ સ્વરોજગારી યોજનાઓ અને સ્વસહાય જૂથોની માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પાણી અને સ્વચ્છતા ક્ષેત્રે મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નારી અદાલતના કો-ઓર્ડિનેટર દ્વારા મહિલાઓના અધિકારો તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપી મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જંબુસર તાલુકા વિકાસ અધિકારી તથા વાસ્મોના યુનિટ મેનેજર દ્વારા મહિલાઓને સશક્ત બની પાણી વ્યવસ્થાપન અને ગામના વિકાસમાં સક્રિય ભાગ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. અંતે તાલીમાર્થી બહેનો દ્વારા પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા અને આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
