ભરૂચ : જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અને ખનીજ ચોરી અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તા. 31/03/2026ના રોજ તંત્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર ખનન ઝડપાયું હતું.
નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં, મોજે તરસાલી, તા. ઝઘડિયા નજીક ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સાદી રેતીના બિનઅધિકૃત સંગ્રહ, ખનન અને વહન કરતી પ્રવૃત્તિ ઝડપાઈ હતી.
કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ ૨ એક્સકવેટર મશીનો, ૪ યાત્રિક નાવડીઓ અને ૩ ટ્રકો (GJ05BV8510, GJ16Z1360, GJ16W7376) જપ્ત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મુદ્દામાલની કિંમત અંદાજે ₹1.32 કરોડ થાય છે. સાથે જ સ્થળ પર રેતીના ઢગલાની માપણી પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત તા. 01/04/2026ના રોજ ભરૂચ તાલુકાના અંગારેશ્વર વિસ્તારમાં પણ ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી એક બાર્જ અને એક યાંત્રિક નાવડી મળી આવી હતી, જેનો કુલ મુદ્દામાલ અંદાજે ₹18 લાખનો હતો.
આ રીતે બે દિવસની કામગીરીમાં કુલ મળી અંદાજે ₹1.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કડક કામગીરી ચાલુ રહેશે.
