ભરૂચ.
ભરૂચની એમ.કે. કોલેજ બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલમાં વારંવાર સર્જાતી ખામીઓ અને નિષ્ફળ કામગીરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પોતાની અસંતોષ વ્યક્ત કર્યો હતો.
GCAS પોર્ટલને લઈને ABVP ગુજરાત પ્રદેશે રાજ્ય સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. સંસ્થાના જણાવ્યા મુજબ, પોર્ટલની ખામીઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક સુધારા ન થતા હવે રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ABVPના આક્ષેપ અનુસાર, GCAS પોર્ટલ દ્વારા ચાલતી પ્રવેશ પ્રક્રિયામાં અનેક ગેરવ્યવસ્થાઓ સામે આવી છે, જેના કારણે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી રહી છે. ખાસ કરીને પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરાતા વિદ્યાર્થીઓને મોંઘી ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવા મજબૂર થવું પડી રહ્યું છે.
વિદ્યાર્થી સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે 33 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવા છતાં રાજ્ય યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં આશરે 50 ટકા બેઠકો ખાલી રહી છે, જે વ્યવસ્થાપનના નિષ્ફળતાનું દ્યોતક છે. પરીક્ષાઓના એક અઠવાડિયા પહેલા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવી વિદ્યાર્થીઓ માટે અયોગ્ય અને અસ્વીકાર્ય હોવાનું પણ જણાવ્યું હતું.
ABVP ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે રાજ્યભરમાં વોલ રાઈટિંગ, ક્લાસ ટુ ક્લાસ કેમ્પેઇન અને પરચા વિતરણ દ્વારા જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. આગામી સમયમાં દરેક જિલ્લા મુખ્ય મથકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર ધરણા-પ્રદર્શન યોજીને આંદોલન વધુ તેજ કરવામાં આવશે.
ABVP દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ પણ રજૂ કરવામાં આવી છે. જેમાં GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવો અથવા પ્રવેશ પ્રક્રિયાને ડીસેન્ટ્રલાઈઝ કરીને યુનિવર્સિટીઓ દ્વારા સંચાલિત કરવી તથા રજીસ્ટ્રેશન ફી તરીકે લેવામાં આવતા ₹300નો ઘટાડો કે સંપૂર્ણ રદ કરવાની માંગ સામેલ છે.
