Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચોમાસા પૂર્વે ભરૂચ તંત્ર સજ્જ : ૩૭ કાંસોની સફાઈ શરૂ, પૂર અને પાણી ભરાવાની સ્થિતિ સામે આગોતરી તૈયારી

Share

ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરની ૩૭ નાની-મોટી કાંસોની સફાઈ અને ડીસિલ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત થાય અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ટાળી શકાય તે માટે દર વર્ષે આ કામગીરી પાછળ અંદાજે રૂ. ૪૫ લાખનો ખર્ચ કરવામાં આવે છે.

તેમ છતાં, દર વર્ષે સફાઈ કામગીરી બાદ પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહેતી હોવાના દ્રશ્યો સામે આવતા રહ્યા છે. ખુલ્લી કાંસોમાં લોકો દ્વારા ઘરેલું કચરો, પ્લાસ્ટિક તેમજ ભંગાર નાંખવામાં આવતા કાંસો ચોક થઈ જાય છે, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થાય છે અને ચોમાસા દરમિયાન માર્ગો પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે.

Advertisement

ચોમાસા પૂર્વે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં તંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવા સાથે વહેણ વિસ્તારમાં આવેલા ઝાડી-ઝાંખરા દૂર કરવા, ડૂબાણમાં જતા કોઝ-વેની ઓળખ કરી ત્યાં ચેતવણીના સાઈનબોર્ડ લગાવવા અને અસરગ્રસ્ત ગામોના સરપંચ, તલાટી તેમજ સ્થાનિક તરવૈયાઓના મોબાઈલ નંબર સાથેની યાદી અદ્યતન રાખવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

આપાતકાલીન પરિસ્થિતિમાં સ્થળાંતર સરળ બને તે માટે આપદા મિત્ર મંડળો અને સેવાભાવી સંસ્થાઓને પણ આયોજનમાં જોડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ ભયજનક વૃક્ષોનું કટિંગ કરવા, જર્જરિત શાળા અને આંગણવાડીના મકાનોનો ઉપયોગ ટાળવા, આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તથા કંટ્રોલ રૂમને સક્રિય રાખવા પણ સૂચનાઓ અપાઈ હતી.

કલેક્ટરે જિલ્લામાં રેઈન ગેઝ મશીનો, બોટ અને રેસ્ક્યુ સાધનોની ઉપલબ્ધતા ચકાસવા પણ દિશા-નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત તમામ કાંસ, ચેમ્બર, ગટર, નહેરો, રોડ-રસ્તા પાસે આવેલા નાના નાળા તથા પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ડીસિલ્ટિંગ અને સફાઈ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તંત્રને સૂચના આપવામાં આવી હતી.

ભરૂચ શહેર સહિત નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન સ્વચ્છ રાખવા, નડતરરૂપ વૃક્ષોની ટ્રિમિંગ કરવા, નમી પડેલા વીજ પોલને વ્યવસ્થિત કરવા તેમજ કાંસની બાજુમાં આવેલા વીજ પોલ દૂર કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. અગાઉ પાણી ભરાવાની સમસ્યા સર્જાયેલા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નર્મદા નદીના જળસ્તરની રીયલ ટાઈમ માહિતી લોકોને સરળતાથી મળી રહે તે માટે ગોલ્ડન બ્રિજ ખાતે કાર્યરત ઈ-રેવા સિસ્ટમને વધુ અસરકારક બનાવવા પણ સૂચનો કરવામાં આવ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહી પોતાના વિભાગોની ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.


Share

Related posts

સુરત : ઓલપાડમાં હલકી કક્ષાનો લૂઝ પેકિંગમાં દારૂ લાવી બ્રાન્ડેડ કંપનીના નામે રિ-પેકિંગ કરી વેચવાનું કારખાનું ઝડપાયું, 8 લાખનો મુદ્દામાલ જપ્ત, બે વોન્ટેડ

ProudOfGujarat

ભરૂચ મકતમપુર વિસ્તારમાં મારામારીની ઘટનામાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરાતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ – વાગરા પોલીસ મથકના ઓછાણ ગામમાથી સગીર કિશોરીને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!