સ્થાનિકોએ સોશિયલ મિડીયા પર પોતાનો રોષ ઠાલવ્યો, આગામી દિવસોમાં આંદોલનના આસાર
ભરૂચ.
ભરૂચ શહેરના શ્રવણ ચોકડથી ગેઈલ કોલોની સુધીના માર્ગની બિસ્માર હાલતને લઈને લોકોનો રોષ જેમ જેમ વરસાદી માહોલ જામે છે તેમ તેમ વધી રહ્યો વિસ્તારમાં આવેલી સોસાયટીના રહિશો તેમની પારવાર મુશ્કેલીને લઈને સોશિયલ મિડીયા પર પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે. જેના પગલે આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા મોટું આંદોલન કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેરમાં વરસાદી માહોલ જામતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા સહિતની સમસ્યાઓ સર્જાતી રહે છે. જોકે, શ્રવણ ચોકડીથી ગેઈલ કોલોની સુધી ૮.૩૧ કરોડના ખર્ચે બની રહેલાં એક કિમીના ચાર માર્ગીય રસ્તાનું કામ અત્યંત મંદ ગતિએ ચાલી રહ્યું હોવાને કારણે સ્થાનિક રહિશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. કાદવ-કિચડના કારણે વાહનોની અવર-જવર મુશ્કેલ બનતાં સ્થાનિકોને તેમના વિસ્તારને જાણે વહિવટી તંત્ર ભુલી ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લાં ત્રણેક દિવસથી સતત વરસાદી માહોલ રહેવાને કારણે વિસ્તારમાં રહેતાં બાળકોની સ્કુલ બસ કે રીક્ષા આવતી ન હોવાથી શાળા પર અસર પડી રહી છે. બીજી તરફ નોકરિયાત વર્ગ પણ તેમની સોસાયટીમાંથી શ્રવણ ચોકડી સુધી કાદવમાં ખરડાયા વિના પહોંચી શકતાં નથી. બીજી તરફ ખાડામાં પડવાથી કે કિચડમાં લપસી જવાથી બચવા માટે તેઓ સુરક્ષિત રીતે બહાર આવે ત્યા સુધી તેમની કંપનીની બસો જતી રહે છે.
વિસ્તારમાં રહેતાં અંદાજે ૪૦ હજાર લોકોની સમસ્યાના નિરાકરણ માટે હજી કોઈ આગળ આવ્યું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. રોડ પર પડેલાં મસમોટા ખાડામાં પુરાણ કરી આપે તો થોડી રાહત થાય તેવી આશા સ્થાનિકો લઈને બેઠા છે ત્યારે ત્રણ દિવસથી કલેક્ટર કચેરી હોય કે બીડા કચેરી હોય કે પછી માર્ગ બનાવી રહેલી જિલ્લા પંચાયત કચેરી હોય એક પણ કચેરીના અધિકારીએ સ્થળ મુલાકાત હાજી કરી નથી. કે સ્થાનિકોની સમસ્યા સાંભળી તેમને આશ્વાસન આપવાની પણ તસ્દી લીધી નથી. તેવો આક્ષેષ સ્થાનિકોએ કર્યો છે.
