Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હોબાળો, રાષ્ટ્રગીત અને અધૂરી કાર્યવાહી! ભરૂચ પાલિકાની સામાન્ય સભા વિવાદમાં : વિપક્ષે કાર્યવાહી રદ કરવાની કરી માંગ

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભા હવે નવા વિવાદમાં સપડાઈ છે. વિપક્ષી સભ્યોએ પાલિકાના સેક્રેટરીને લેખિત આવેદનપત્ર પાઠવી સામાન્ય સભાની સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર ગણાવી તેને રદબાતલ કરવાની માંગ કરી છે. સાથે જ સભામાં થયેલા ઠરાવો પર તાત્કાલિક રોક લગાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે.

વિપક્ષના જણાવ્યા મુજબ સામાન્ય સભામાં વર્ષ 2025-26ના હિસાબોને મંજૂરી આપવાના મુદ્દા પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન વિપક્ષના સભ્યોએ મુખ્ય અધિકારી સમક્ષ હિસાબોને લગતા અનેક પ્રશ્નો ઉઠાવી પુરાવા આધારિત સ્પષ્ટતા માંગતા હતા. જોકે, મુખ્ય અધિકારી જવાબ આપે તે પહેલાં જ સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હોવાનું આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

વિપક્ષનો વધુ આક્ષેપ છે કે કોઈપણ પૂર્વ સૂચના કે ગૃહ મોકૂફીની જાહેરાત કર્યા વગર અચાનક રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત પૂર્ણ થતાં જ સભા સમાપ્ત જાહેર કરી સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડમાંથી બહાર નીકળી ગયા હતા.

વિપક્ષના કહેવા મુજબ એજન્ડાના ક્રમાંક-4 સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કે મતદાન થયું જ નહોતું. તેમ છતાં સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી, જે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 તથા સામાન્ય સભાના નિયમોનું ઉલ્લંઘન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

આવેદનપત્રમાં વિપક્ષે માંગ કરી છે કે 17 જુલાઈની સામાન્ય સભાની સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર જાહેર કરીને રદ કરવામાં આવે. એજન્ડાના અધૂરા મુદ્દાઓ પર કોઈ ઠરાવો પસાર થયા હોવાનું દર્શાવવામાં આવે તો તેના અમલીકરણ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. ઉપરાંત સમગ્ર ઘટનાની વીડિયોગ્રાફી અને મિનિટ્સ બુકની તટસ્થ તપાસ કરાવી નિયમો મુજબ અધૂરા રહેલા એજન્ડા માટે ફરીથી સામાન્ય સભા બોલાવવામાં આવે.

વિપક્ષની રજૂઆત બાદ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં થયેલી કાર્યવાહી, નિયમોની પાલના અને કાયદાકીય પ્રક્રિયા અંગે રાજકીય ગરમાવો વધ્યો છે. હવે સેક્રેટરી દ્વારા આ રજૂઆત પર શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.


Share

Related posts

ભરૂચના નિવૃત્તને ડિઝીટલ એરેસ્ટ કરી ધમકાવી ૫૮ લાખની ઠગાઈ

ProudOfGujarat

ચાઈનીઝ દોરી વિવાદ પર હાઈકોર્ટનું કડક વલણ, સરકાને નવું સોગંદનામું દાખલ કરવા કહ્યું

ProudOfGujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સમયસર રજૂઆત, અને સચોટ પરિણામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!