ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામના શુકલેશ્વર ફળિયા વિસ્તારમાં ગામતળના કૂવા પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ સામે આખરે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષો જૂના દબાણ કેસમાં કોર્ટના હુકમ બાદ મામલતદાર, પોલીસ તંત્ર અને ગ્રામ પંચાયતના સરપંચની હાજરીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગામતળની સરકારી જગ્યામાં આવેલા કૂવા પર બિનઅધિકૃત રીતે પાકું મકાન ઊભું કરવામાં આવ્યું હોવાની રજૂઆત અરજદાર ધર્મેન્દ્ર ભાટિયા દ્વારા કરવામાં આવી હતી. આ મામલે વર્ષોથી કાયદેસરની કાર્યવાહી ચાલી રહી હતી. અંતે કોર્ટના હુકમ બાદ વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ડિમોલિશન દરમિયાન મામલતદાર, પોલીસ જવાનો, ગ્રામ પંચાયતના સરપંચ સહિતના જવાબદાર અધિકારીઓ અને પ્રતિનિધિઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તંત્રની હાજરીમાં બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થતાં સ્થળ પર સ્થાનિક લોકોના ટોળા પણ એકત્ર થયા હતા.
આ કેસમાં સુરેશભાઈ મંગલભાઈ પટેલ દ્વારા ગામતળના કૂવા પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. કોર્ટના આદેશ બાદ સરકારી જગ્યાને દબાણમુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
શુક્લતીર્થમાં સરકારી જમીન અને જાહેર ઉપયોગની જગ્યાઓ પરના અન્ય બિનઅધિકૃત બાંધકામો સામે પણ તંત્ર હવે કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ગામમાં અન્ય દબાણો અંગે પણ તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
