ભરૂચ:
શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા બુદ્ધદેવ માર્કેટમાં ઘરના દરવાજાને અંદરથી સ્ટોપર લગાવેલી હોવા છતાં બે મોબાઈલ ફોનની ચોરી થતાં ચકચાર મચી છે. બપોરના સમયે બે ભાઈઓ ઘરે સૂતા હતા ત્યારે અજાણ્યો ઇસમ ઘરમાં પ્રવેશી રૂ.15 હજારની કિંમતના બે મોબાઈલ ચોરી ગયો હોવાની ફરિયાદ ભરૂચ પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, મૂળ રાજસ્થાનના કરૌલી જિલ્લાના રહેવાસી અને હાલ બુદ્ધદેવ માર્કેટમાં રહેતા મનોજ બાકેલાલ ચતુર્વેદી ઝઘડિયા ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તા.20 ઓગસ્ટના રોજ બપોરે આશરે એક વાગ્યે મનોજ અને તેમનો ભાઈ દેવરાજ ઘરે જમ્યા બાદ હોલમાં બેઠા હતા. બંનેએ ઘરના દરવાજાને અંદરથી સ્ટોપર લગાવી દીધો હતો.
થોડીવાર બાદ મનોજ બેડ પર સૂઈ ગયા હતા, જ્યારે દેવરાજ સોફા પર સૂઈ ગયા હતા. બપોરે આશરે અઢી વાગ્યે દેવરાજ જાગ્યા ત્યારે ઘરના દરવાજો ખુલ્લો હતો અને સોફા પર મૂકેલો તેમનો મોબાઈલ ગાયબ હતો. આ અંગે મનોજને જાણ કરતાં તેણે પણ બેડ પર તપાસ કરી હતી, પરંતુ પોતાનો મોબાઈલ પણ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
બંને ભાઈઓએ ઘરમાં તેમજ આસપાસ શોધખોળ કરી હતી. બાદમાં પાડોશીના મોબાઈલ પરથી બંને મોબાઈલ પર ફોન કરતાં બંને ફોન સ્વિચ ઓફ આવતા ચોરી થયાની ખાતરી થઈ હતી. મનોજનો VIVO V20Se મોબાઈલ તથા દેવરાજનો VIVO Y29 મોબાઈલ મળી કુલ આશરે રૂ.15 હજારની કિંમતના બે મોબાઈલ અજાણ્યો ચોર ચોરી ગયો હતો.
ઘરના દરવાજાને અંદરથી સ્ટોપર હોવા છતાં ચોરે ઘરમાં પ્રવેશ કરી ચોરી કેવી રીતે કરી તે મુદ્દો પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે. બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અજાણ્યા ચોરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
