ભરૂચ : શહેરના બ્લુચિપ કોમ્પ્લેક્સ ખાતે આવેલા બ્લિંકીટ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સ્ટોરમાં ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ અને સ્વચ્છતાને લગતા નિયમોનું યોગ્ય પાલન થતું ન હોવાનું સામે આવ્યું હતું. ખાસ કરીને કોલ્ડ સ્ટોરેજની તપાસ દરમિયાન બગડેલા શાકભાજી મળી આવતા તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે સ્ટોરના વિવિધ વિસ્તારોની તપાસ કરી હતી. જેમાં ખાદ્ય સામગ્રીના સંગ્રહ માટેની વ્યવસ્થા, કોલ્ડ સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય સામગ્રીના સંગ્રહ માટે જરૂરી વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ સ્ટોરમાં સ્વચ્છતાના ધોરણો જાળવવામાં પણ બેદરકારી હોવાનું નોંધાયું હતું.
ઓનલાઈન ઓર્ડરના માધ્યમથી ગ્રાહકો સુધી ખાદ્ય ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવતી હોવાથી તેના સંગ્રહ અને ગુણવત્તા અંગે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે. તેમ છતાં તપાસ દરમિયાન બગડેલા શાકભાજી મળી આવતા સ્ટોરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. નિયમોનું ઉલ્લંઘન સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બ્લિંકીટ સ્ટોરને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે શહેરમાં ઓનલાઈન ડિલિવરી માટે ખાદ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરતા અન્ય સ્ટોર્સમાં પણ સંગ્રહ વ્યવસ્થા, સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગ્રાહકોના આરોગ્ય સાથે સંકળાયેલા ખાદ્યપદાર્થોના સંગ્રહમાં બેદરકારી સામે તંત્ર દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
