ભરૂચ :
ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે આજે રાજકીય હાઇડ્રામા સર્જાયો હતો. વોટ ચોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢવાનો પ્રયાસ કરાયો હતો, જેને પોલીસે શરૂઆતમાં જ નિષ્ફળ બનાવી દીધો હતો. પાંચબત્તી સર્કલથી રેલી પ્રસ્થાન કરે તે પહેલાં જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી લીધી હતી.
અટકાયત બાદ કોંગ્રેસી નેતાઓએ તંત્રની કામગીરી સામે તીખા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભરૂચમાં ભાજપના કાર્યક્રમો માટે તમામ છૂટછાટો અપાય છે, પરંતુ કોંગ્રેસ જ્યારે બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે અવાજ ઉઠાવે છે ત્યારે પોલીસને આગળ ધરી દેવામાં આવે છે. વિરોધ પ્રદર્શનની મંજૂરી અને તંત્રના ભેદભાવપૂર્ણ વલણ સામે સવાલો ઉઠાવતા કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે, આવી અટકાયતોથી કોંગ્રેસનો અવાજ દબાવી શકાશે નહીં અને વોટ ચોરી સામેની આ લડાઈ વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
