ભરૂચ :
ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા મતચોરી અને લોકશાહીના મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, કાર્યકરોને ડિટેઈન કરીને સરકારી બસમાં બેસાડવાની કાર્યવાહી દરમિયાન વકીલ તરીકે વ્યવસાય કરતા કોંગ્રેસી કાર્યકર શૈલેશભાઈ મગનભાઈ પરમાર દ્વારા પોલીસકર્મી સાથે ધક્કામુક્કી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ફરિયાદી પોલીસકર્મી શક્તિસિંહ જીલુભાની ફરિયાદ મુજબ, મંગળવારે સાંજે આશરે 4:30 વાગ્યે પાંચબત્તી સર્કલ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા. મોટા અવાજે સૂત્રોચ્ચાર કરીને રસ્તા પર આવી જતાં શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
બંદોબસ્તના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાએ વિરોધ પ્રદર્શન માટે સક્ષમ અધિકારીની પરવાનગી અંગે પૂછપરછ કરી હતી. પરવાનગી ન હોવાનું જણાતાં કાર્યકરોને વિખેરાઈ જવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં સૂત્રોચ્ચાર ચાલુ રહેતાં પોલીસ દ્વારા કાર્યકરોને ડિટેઈન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ દરમિયાન વકીલ શૈલેશભાઈ પરમારને સરકારી બસમાં બેસાડતી વખતે તેમણે વિરોધ કરી ફરિયાદી પોલીસકર્મી શક્તિસિંહને છાતીના ભાગે જોરથી ધક્કો માર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જેના પગલે પોલીસકર્મી બસના દરવાજા સાથે અથડાતાં તેમના ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. અન્ય પોલીસકર્મી શૈલેશભાઈ સોનાજી અને મહિલા પોલીસકર્મી કાજલબેન રમેશભાઈને પણ ધક્કામુક્કી દરમિયાન ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ત્રણેય ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ ફરિયાદમાં જણાવેલી હકીકતોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બનાવને પગલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિહ રણાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા પોલીસ બેવડી નિતી ધરાવે છે. ગઇકાલે સવારે પોલીસે ભાજપની મહિલા મોરચાને ધરણાં માટે પરમિશન આપી જ્યારે કોંગ્રેસને સાંજે રેલી કાઢવા છેલ્લે સુધી પરમિશનને લઇને કોઇ જ જવાબ આપ્યો નહી. કોંગ્રેસ લોકશાહીને જીવંત રાખવાના ભાગરૂપે શાંતિમય રીતે રેલી કાઢનાર હોવા છતાં રાજકિય ઇશારે કોંગ્રેસના કાર્યકરોને પોલીસ વાહનમાં બળજબરીથી ઘેંટાબકરાની જેમ ધસડીને બેસાડ્યાં હતાં. જેમાં કેટલાંય કાર્યકરોના કપડાં ફાટી ગયાં હતાં. તેમજ તેમને નાની મોટી ઇજાઓ પણ થઇ હતી. જોકે, પોલીસે કોંગ્રેસના કાર્યકર પર ખોટા આક્ષેપ કરતી ફરિયાદ નોંધી છે. જે સાંખી લેવાય નહીં. હાલમાં જિલ્લા કાર્યાલય પર બેઠક કરી મામલામાં આગળની રણનિતી નક્કી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
