ભરૂચ :
ભરૂચના મકતમપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ સામે બીજા લગ્ન કરવાની તૈયારી કરવા, તેમજ સાસુ-સસરા દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. પરિણીતાએ ભરૂચ જિલ્લા પોલીસવડા અને સી ડિવિઝન પોલીસને સંબોધીને કરેલી ફરિયાદમાં કોમન સિવિલ કોડની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ કરી છે.
ફરિયાદ મુજબ, ભરૂચના મકતમપુર સ્થિત જહાનિયા પાર્ક સોસાયટીમાં રહેતી તમન્નાબાનુએ વર્ષ 2022માં 15 મેના રોજ વાગરા ખાતે ઝઘડિયાના લીમોદ્રા ગામના આબીદખાન જાકીરહુસેન બેલીમ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્રીનો જન્મ પણ થયો હતો. જોકે, લગ્નના થોડા સમય બાદ પતિનો ગુનાહિત ઇતિહાસ હોવાની જાણ થઈ હોવાનું તમન્નાબાનુએ ફરિયાદમાં જણાવ્યું છે.
તમન્નાબાનુના આક્ષેપ મુજબ, પતિ આબીદખાન, સાસુ બહેમુન્નીશા અને સસરા જાકીરહુસેન દ્વારા તેને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિના અન્ય યુવતી સાથે લગ્ન કરાવવાની વાતો કરી તેને ધમકાવવામાં આવતી હતી. પતિ અવારનવાર મોડી રાત્રે ઘરે આવતો અથવા ઘરે આવતો જ ન હતો. તપાસ કરતાં ભરૂચના હાજીખાના બજાર વિસ્તારમાં રહેતી જીન્નત જાફર સૈયદ સાથે પતિને પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે, સાસુ-સસરાએ પતિના બીજા લગ્નને યોગ્ય ઠેરવી બંને પત્નીઓએ બહેનોની જેમ રહેવું પડશે તેમ કહ્યું હતું. સાથે જ છૂટાછેડાની ધમકી આપી તમન્નાબાનુને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. જોકે, તે આશરે દસ દિવસ બાદ પરત આવી હતી.
જૂન 2026માં આબીદખાન અને જીન્નતની સગાઈ કરી બીજા લગ્નની તૈયારીઓ શરૂ થતાં તમન્નાબાનુએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. હવે આ મામલે ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ અને કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તેના પર નજર રહેશે.
