ભરૂચ :
ભરૂચના પ્રતિભાશાળી સ્કેટર આરવ ડી. પટેલે અમદાવાદ ખાતે યોજાયેલી 46મી ગુજરાત રાજ્ય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ-2026માં શાનદાર પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે આરવે ઓવરઓલ ગ્રુપ ચેમ્પિયન ટ્રોફી પણ પોતાના નામે કરી ભરૂચનું ગૌરવ વધાર્યું છે.
અમદાવાદના DPS સ્કેટિંગ રિંક ખાતે 11થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં આરવે 15થી 18 વર્ષના વયજૂથના ક્વાડ સ્કેટિંગ વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. પોતાની પ્રતિભા અને મહેનતના જોરે તેણે ત્રણેય ગોલ્ડ મેડલ જીતીને સ્પર્ધામાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
આરવ ભરૂચની અલ્ફોન્સો સ્કેટિંગ એકેડેમી સાથે જોડાયેલો છે અને કોચ ઓસ્કર અલ્ફોન્સોના માર્ગદર્શન હેઠળ નિયમિત તાલીમ મેળવી રહ્યો છે. તેની આ સફળતામાં સખત મહેનત, સતત અભ્યાસ અને કોચના માર્ગદર્શનનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ સાથે ઓવરઓલ ગ્રુપ ચેમ્પિયન ટ્રોફી જીતનાર આરવની સિદ્ધિથી ભરૂચના રમતગમત વર્તુળોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. હવે આગામી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પણ આરવ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
