સુરત:
સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા તાલુકામાં ભારતમાલા એક્સપ્રેસ-વે પરથી આશરે રૂ. 1.94 કરોડના એલ્યુમિનિયમની પ્લેટો ભરેલું ટ્રેલર સગેવગે કરવાના ચકચારી ગુનાનો પોલીસે ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 15,730 કિલોગ્રામ એલ્યુમિનિયમની પ્લેટો, ગઠ્ઠા અને પાવડર, ચોરીમાં ગયેલું ટ્રેલર, રોકડ રકમ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 84,46,150નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, ટ્રેલરના ડ્રાઇવર અને ક્લીનર સહિત અન્ય સાત આરોપીઓ હજી વોન્ટેડ હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે.
પોલીસના જણાવ્યા મુજબ, ગત 30 સપ્ટેમ્બર, 2026ના રોજ ટ્રેલર નંબર GJ-36-V-5225માં દિલ્હીથી મુંબઈ તરફ એલ્યુમિનિયમનો માલ લઈ જવામાં આવી રહ્યો હતો. પલસાણા તાલુકામાં ભારતમાલા એક્સપ્રેસ-વે પર ટોલનાકાથી થોડે આગળ ટ્રેલરના ડ્રાઇવર અને ક્લીનરે દાદરા નગર હવેલીના સેલવાસા ખાતે આવેલી ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ કંપનીમાં માલ પહોંચાડવાને બદલે કથિત રીતે માલ સગેવગે કરી ટ્રેલર સહિત કુલ રૂ. 1,94,70,740ની છેતરપિંડી કરી હતી. આ મામલે પલસાણા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(3) અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી અને પલસાણા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એલ્યુમિનિયમનો માલ ખરીદનાર શિવલાલ જયરામ ગુજ્જરને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં શિવલાલે તેના ભાઈ પ્રેમલાલ સાથે મળીને ટ્રેલરના ડ્રાઇવર અને ક્લીનર પાસેથી આશરે 40 ટન એલ્યુમિનિયમની પ્લેટો ખરીદી હોવાની કબૂલાત કરી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. આ માલમાંથી અલગ-અલગ જથ્થો અન્ય વેપારીઓને વેચવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી હતી.
પોલીસે શિવલાલ ઉપરાંત કિશનલાલ ગુર્જર, રામેશ્વર ઉર્ફે રમેશ તૈલી, રેમત નાનુરામ કુમાવત અને જીતુભાઈ ઉર્ફે પકો દેવપુજકની ધરપકડ કરી છે. તેમની પાસેથી 15,730 કિલોગ્રામ એલ્યુમિનિયમની પ્લેટો, ગઠ્ઠા અને પાવડર, કિંમત રૂ. 71,57,150, ટ્રેલર કિંમત રૂ. 10 લાખ, રોકડા રૂ. 2.50 લાખ તથા પાંચ મોબાઇલ ફોન કિંમત રૂ. 39 હજાર મળી કુલ રૂ. 84,46,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે ટ્રેલરના ડ્રાઇવર મોહમદ આસીદ મીરહુસેન, ક્લીનર આસીફઅલી કાલુખાન, પ્રેમલાલ ગુજ્જર સહિત અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. સુરત ગ્રામ્ય એલસીબી અને પલસાણા પોલીસની સંયુક્ત કામગીરીથી કરોડોના એલ્યુમિનિયમ ચોરીકાંડમાં મહત્ત્વની સફળતા મળી છે.
