ભરૂચ જિલ્લાના જોલવા ગામે આવેલી એક ચાની દુકાનની આડમાં નશાકારક માદક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ભરૂચ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ચાની દુકાન ચલાવતા શખ્સને ઝડપી પાડ્યો છે અને લાખો રૂપિયાનો નશાકારક જથ્થો કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઈન્સ્પેક્ટર કે. એલ. પટણી તેમજ તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જોલવા ગામે પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ સામે ફિલાટેશ ચોકડી પાસે આવેલાં ‘દેવ નારાયણ ટી કોર્નર’ નામની દુકાનમાં ગોવિંદ નામનો શખ્સ માદક પદાર્થની ગોળીઓનું વેચાણ કરે છે. આ બાતમીના પગલે પોલીસે તુરંત એક્શનમાં આવીને સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી ગોવિંદ શંકર રેબારી નામના શખ્સની ધરપકડ કરી તેની દુકાનની સઘન તલાશી લીધી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી નશાકારક માદક પદાર્થની ‘તરંગ વિજયાવટી’ નામની ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ માદક પદાર્થનું વજન કરતાં કુલ ૧૩ કિલો ૪૦૦ ગ્રામ નશાકારક જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત અંદાજે રૂ. ૬.૭૦ લાખ આંકવામાં આવી છે.
પોલીસે માદક પદાર્થ ઉપરાંત રૂ. ૨૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૬,૯૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી સામે દહેજ પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી(૨(બી))), અને ૨૯ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલો આરોપી ગોવિંદ મૂળ રાજસ્થાનના માંડલ તાલુકાના લુહારિયાનો વતની હોવાનું અને હાલમાં જોલવાની વેલકમ સોસાયટી પાસે આવેલા ગીતા પેલેસ ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તે આ માદક પદાર્થ ક્યાંથી લાવ્યો હતો અને તેની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન ગોવિંદે દૂધારામ નામના રાજસ્થાની શખ્સે તેને આ જથ્થો આપ્યો હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે દૂધારામને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
