ભરૂચ:
ભરૂચ જિલ્લા આયોજન ભવન કચેરીના કમ્પાઉન્ડમાંથી એર કન્ડિશનર (AC)ના કોપર પાઇપની ચોરીના બનાવમાં ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ચોરીના તમામ અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી આશરે પાંચ કિલોગ્રામ વજનના કોપર પાઇપના ટુકડા, જેની કિંમત રૂ. 6,000 થાય છે, તે કબજે કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 9 ઓક્ટોબર 2026ના સાંજે 7 વાગ્યાથી 12 ઓક્ટોબર 2026ના સવારે 10 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો ચોર જિલ્લા આયોજન ભવનની કચેરીના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો હતો. અહીં લગાવવામાં આવેલા પાંચ AC આઉટડોર યુનિટ પૈકી બે યુનિટ દિવાલ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. જેના કારણે આશરે રૂ. 10,000નું નુકસાન થયું હતું. આ ઉપરાંત ACના ઇન્ડોર અને આઉટડોર યુનિટને જોડતી આશરે પાંચ કિલોગ્રામ કોપર પાઇપની ચોરી કરવામાં આવી હતી, જેની કિંમત રૂ. 6,000 આંકવામાં આવી હતી. આ અંગે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાએ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાવી હતી.
પોલીસે આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલો શખસ કોપર પાઇપ સાથે યુનિયન સ્કૂલ સામે ઊભો છે. જેના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં બાતમી મુજબનો શખસ મળી આવ્યો હતો.
પોલીસે બજરંગીકુમાર જગદીશભાઈ વાઘેલા (ઉં.વ. 31), રહે. સોનતલાવડી, જિલ્લા ઉદ્યોગ ભવન પાસે, ભરૂચને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીમાં ગયેલા આશરે પાંચ કિલોગ્રામ કોપર પાઇપના ટુકડા, કિંમત રૂ. 6,000, કબજે કરવામાં આવ્યા હતા.
આ મામલે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર A-11199010261124/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 303(2) અને 324(3) મુજબ ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
