ભરૂચ:
અનાથ, નિરાધાર અને મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન જીવતાં બાળકોના શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સુરક્ષા માટે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ આશીર્વાદરૂપ બની રહી છે. ભરૂચ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતાં બાળકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. જિલ્લામાં પાલક માતા-પિતા યોજના હેઠળ 871 અનાથ બાળકોને દર મહિને રૂ. 3,000ની સહાય આપવામાં આવે છે.
જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જરૂરિયાતમંદ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવે છે. પાલક માતા-પિતા યોજના હેઠળ મળતી માસિક સહાયથી બાળકોના ઉછેર, સંભાળ અને શૈક્ષણિક ખર્ચમાં મદદ મળી રહી છે.
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને પણ સહાય
કોરોના મહામારી દરમિયાન માતા-પિતા બંનેને ગુમાવનાર 30 બાળકોને દર મહિને રૂ. 4,000ની સહાય આપવામાં આવે છે. જ્યારે માતા કે પિતા પૈકી એકને ગુમાવનાર 1,015 બાળકોને અભ્યાસ માટે દર મહિને રૂ. 2,000ની સહાય 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી આપવામાં આવી રહી છે.
સંસ્થાકીય સંભાળમાંથી પરિવાર સાથે પુનઃસ્થાપિત કરવામાં આવેલા 143 બાળકોને શિક્ષણ અને સંભાળ માટે રાજ્ય સરકાર તરફથી માસિક રૂ. 3,000 અને કેન્દ્ર સરકાર તરફથી માસિક રૂ. 4,000ની સહાય આપવામાં આવે છે.
150 બાળકોને શૈક્ષણિક શિષ્યવૃત્તિ, 165 બાળકોને સંસ્થાકીય આશ્રય
એચઆઈવી પોઝિટિવ બીમારીથી અસરગ્રસ્ત હોય અથવા જેમનાં માતા-પિતામાંથી કોઈ એક આ બીમારીથી અસરગ્રસ્ત હોય તેવા 150 બાળકોને ધોરણ મુજબ શૈક્ષણિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા 165 બાળકોને સંસ્થાકીય આશ્રય હેઠળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સુરક્ષા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
25 દીકરીઓને લગ્ન સહાય પેટે રૂ. 50 લાખની ફાળવણી
પાલક માતા-પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીઓ 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ લગ્ન કરે ત્યારે તેમના નવા ગૃહસ્થ જીવનની શરૂઆત સરળ બને તે હેતુથી રૂ. 2 લાખની લગ્ન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 25 દીકરીઓને કુલ રૂ. 50 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
આમ, ભરૂચ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી જરૂરિયાતમંદ બાળકોને આર્થિક ટેકો, શિક્ષણ અને સુરક્ષાની સુવિધાઓ પૂરી પાડી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કામગીરી કરવામાં આવી રહી છે.
