ભરૂચ :
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં ગત રાત્રે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટે પાંચ કામદારોનો ભોગ લીધો છે, જ્યારે અન્ય પાંચ કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ છે. રાત્રિના સમયે થયેલા આ ભયાનક બ્લાસ્ટથી સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટનો અવાજ આશરે 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાની માહિતી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે આશરે 10:30થી 11 વાગ્યાની વચ્ચે કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે કંપનીથી આશરે 200 મીટર દૂર ઊભેલા ટ્રેક્ટરનું ટાયર પણ ફાટી ગયું હતું. આસપાસની કંપનીઓનાં સ્ટ્રક્ચર હલી ઊઠ્યાં હતાં, જ્યારે પ્લાન્ટમાં મશીનરીના ભાગો વેરવિખેર થઈ ગયા હતા.
ઘટના સમયે કંપનીમાં આશરે 20 કામદારો કામ કરી રહ્યા હોવાની માહિતી મળી છે. વિસ્ફોટ બાદ ગેસ લીકેજની આશંકા ઊભી થતાં લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી. જીવ બચાવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી અને તેના સાયરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.
ઘટનાને પગલે સ્થાનિક રહેવાસી રાજ અમરસિંહ નઠુબાવાએ કંપનીની કામગીરી અને જાનહાનિના આંકડા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, ઘટના સમયે અંદર કેટલા કામદારો હતા અને તેમાંથી કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા તેની સ્પષ્ટ માહિતી મળવી જરૂરી છે. તેમણે ગેસના કારણે ઘટનાસ્થળે ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું.
તેમણે મૃતક કામદારોના પરિવારોને સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ કરી હતી. આ સાથે અકસ્માતમાં મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને ન્યાય મળે અને ઘટનાની હકીકત બહાર આવે તેવી લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે.
બ્લાસ્ટની જાણ થતાં ભરૂચ એસડીએમ મનીષા માનાણી, વાગરા પોલીસ, મામલતદાર, ફાયર ટેન્ડરો અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અપાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પણ અકસ્માતની તપાસ શરૂ કરી છે.
મે-જૂન મહિનામાં જ કાર્યરત થયેલી આ કંપનીમાં ઔદ્યોગિક સલામતીનાં નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. વહીવટી તંત્ર દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. તપાસમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ, સંભવિત બેદરકારી અને સલામતીનાં પગલાં અંગેની વિગતો બહાર આવવાની શક્યતા છે.
કંપનીમાં કયા ચોક્કસ રસાયણની હાજરી હતી અને કયા પ્રકારનો ગેસ લીક થયો હતો તે અંગે સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે. તેથી રસાયણના પ્રકારની ઓળખ અને જોખમનું મૂલ્યાંકન કર્યા વિના કોઈ ચોક્કસ પદાર્થને દુર્ઘટના માટે જવાબદાર ગણવો યોગ્ય નથી.
ગેસ લીકેજની આશંકા હોય ત્યારે અસરગ્રસ્ત વિસ્તારથી દૂર જવું, હવા જે દિશામાંથી આવી રહી હોય તે દિશામાંથી સુરક્ષિત રીતે દૂર ખસવું અને સ્થાનિક વહીવટી તંત્ર તથા અગ્નિશમન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. રસાયણના સંપર્કમાં આવેલા લોકોને તાત્કાલિક તબીબી સારવાર આપવી જોઈએ. સામાન્ય ભીનું કપડું ઝેરી ગેસ સામે વિશ્વસનીય રક્ષણ આપતું નથી.
હવે તપાસમાં કંપનીમાં સલામતીનાં સાધનો, હાઇડ્રોજીનેશન પ્રક્રિયાની વ્યવસ્થા અને આપત્તિ સમયે અપનાવવામાં આવેલી પ્રક્રિયાઓની ચકાસણી મહત્ત્વપૂર્ણ બની રહેશે.
મૃતક અને ઇજાગ્રસ્તોનાં નામ મૃતકો: ભાવિક વસાવા અર્જુન કુમાર (ઉંમર 20 વર્ષ) અનિકેત કુમાર (ઉંમર 22 વર્ષ) જયદીપ પટેલ વૃંદ તલાવિયા ઇજાગ્રસ્તો: પ્રિયાંશુ કુમાર પવન કુમાર (ઉંમર 26 વર્ષ) પ્રતીક પ્રજાપતિ મોસમ કુમાર શિવ દયાલ
