વાંકલ :
ગુજરાત વન વિભાગના સુરત વન વિભાગની વાંકલ રેન્જ દ્વારા બણભા ડુંગર ઈકો ટુરિઝમ સેન્ટર ખાતે 12થી 16 ઓક્ટોબર દરમિયાન પાંચ દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષક ધીરજકુમાર, IFS અને ACF ગૌરવ લોઢાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં પાંચ પ્રાથમિક શાળાના આશરે 250 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને વન્યજીવો વિશે પ્રત્યક્ષ જાણકારી મળે તે હેતુથી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. જેમાં નર્સરી અને એનિમલ ટ્રાન્ઝિટ સેન્ટરની મુલાકાત, બણભા ડુંગર પર ટ્રેકિંગ, પક્ષીદર્શન, સાપ સંરક્ષણ તથા ઔષધીય વનસ્પતિની ઓળખ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વન્યજીવોના મહત્વ અને તેમના સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા પ્રકૃતિ સંવાદ, રાત્રિ ફાયર કેમ્પ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોને પ્રકૃતિની નજીક લાવવાની સાથે જંગલો, વન્યજીવો અને પર્યાવરણનું જતન કરવાની સમજ આપવામાં આવી હતી.
શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, વન્યજીવ સંરક્ષણની ભાવના અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસાવવાનો હતો. પ્રકૃતિના ખોળે યોજાયેલી આ શિબિરે વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રત્યક્ષ અનુભવ દ્વારા શીખવાની તક પૂરી પાડી હતી.
શિબિરને સફળ બનાવવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. એ. ખોખર, વનપાલ પ્રીતિબેન ચૌધરી, ગંગાબેન ચૌધરી તથા બીટગાર્ડ સુરેશ રાઠોડ, હિતેશ ખેર સહિત વન વિભાગના કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.
