ભરૂચ, તા. 17:
ભરૂચ જિલ્લાના સાયખા GIDC સ્થિત સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકોના પરિવારજનોને રૂ.75 લાખનું વળતર અને પરિવારના એક સભ્યને નોકરી આપવા અંગે કંપનીએ લેખિત બાંહેધરી આપી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ મૃતક શ્રમિકોના પરિવારોને ન્યાય અને યોગ્ય વળતર મળે તે માટે ભરૂચ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
સંદીપ માંગરોલાએ દરેક મૃતકના પરિવારને રૂ.75 લાખની આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી હતી. આ રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે કંપનીના સંચાલકો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન કંપની તરફથી મૃતકના પરિવારજનોને રૂ.50 લાખ ઉપરાંત અન્ય મળવાપાત્ર રકમ સહિત કુલ રૂ.75 લાખનું વળતર ચૂકવવા અંગે લેખિત બાંહેધરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત, દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકના પરિવારના એક સભ્યને કંપનીમાં નોકરી આપવાની ખાતરી પણ કંપની દ્વારા આપવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. હવે આ બાંહેધરીનો અમલ ક્યારે અને કેવી રીતે થાય છે તેના પર મૃતકના પરિવારજનોની નજર રહેશે.
શ્રમિકોની સલામતીના નિયમોનું કડક પાલન થાય: સંદીપ માંગરોલા
સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે શ્રમિકોના જીવનની કોઈ કિંમત આંકી શકાય નહીં. જોકે, પોતાના સ્વજન ગુમાવનાર પરિવારોને યોગ્ય આર્થિક સહાય, રોજગારની સુરક્ષા અને ન્યાય મળે તે અત્યંત જરૂરી છે. કંપની દ્વારા આપવામાં આવેલી બાંહેધરીનો સમયસર અને સંપૂર્ણ અમલ થાય તે સુનિશ્ચિત કરવો જોઈએ.
તેમણે વધુમાં દુર્ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તથા ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સલામતીના નિયમોનું ચુસ્ત પાલન કરાવવાની માંગ કરી હતી. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી પણ તેમણે અપીલ કરી હતી.
