ભરૂચ :
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકાના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવાના હેતુથી ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો આગામી ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના શનિવારે સવારે ૧૧ કલાકે સરકારી આઈ.ટી.આઈ., ઝઘડિયા ખાતે યોજાશે.
ભરતી મેળામાં ફ્લોમેટલિક (ઝઘડિયા), સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (ઝઘડિયા), યોકોહામા ઓફ હાઇવે ટાયર્સ (દહેજ), કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (અંકલેશ્વર) અને બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (ઝઘડિયા) સહિતની પાંચ નામાંકિત કંપનીઓ ભાગ લેશે. આ કંપનીઓ દ્વારા એપ્રેન્ટિસ, ટેકનિશિયન, મશીન ઓપરેટર અને પ્રોડક્શન ઓપરેટર સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ધોરણ ૧૦, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા અને સ્નાતક સહિતની શૈક્ષણિક તથા ટેકનિકલ લાયકાત ધરાવતા ૧૮થી ૩૫ વર્ષના મહિલા અને પુરુષ ઉમેદવારોને લાયકાત અનુસાર રોજગારીની તક મળશે.
ઇચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, જરૂરી દસ્તાવેજો અને બાયોડેટા સાથે નિયત સ્થળે સમયસર રૂબરૂ હાજર રહેવાનું રહેશે. જોકે, હાલ દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ખાલી જગ્યા ઉપલબ્ધ ન હોવાથી તેમને ભરતી મેળામાં હાજર ન રહેવા જણાવાયું છે. આ અંગેની માહિતી જિલ્લા રોજગાર અધિકારી, ભરૂચની અખબારી યાદીમાં આપવામાં આવી છે.
