Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દીવાન ધનજીશા હાઇસ્‍કુલ ઝઘડીયાના શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

Share

સૈકાની સફર પામેલી આ સંસ્‍થામાં અત્‍યાર સુધીમાં ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી ચુકયા છે

આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સંપાદનનું કાર્ય કરી

Advertisement

સંસ્‍થા સામજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બની છે

નવી પેઢીને શિક્ષિત કરી, સંસ્‍કારી બનાવી ‘‘નયા ભારત” નું નિર્માણ કરવા સો આગળ આવીએ

-: રાજ્‍યપાલશ્રી ઓ.પી.કોહલીજી

રાજ્‍યપાલશ્રી ઓ.પી.કોહલીજીએ ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે નર્ર્મદામૈયાના પાવન તટે ઇ.સ.૧૯૧૪ થી શિક્ષણ, સંસ્‍કાર અને ચારિત્ર્ય ઘડતર ધ્‍વારા રાષ્‍ટ્રનિર્માણના મહાયજ્ઞ માટે કાર્યરત એવી શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દીવાન ધનજીશા હાઇસ્‍કુલ ઝઘડીયા ‘સૈકાની સફર’ સફળતાપૂર્વક પૂર્ણ કરી શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણીનો દિપપ્રગટાવી શુભારંભ કરાવ્‍યો હતો. સાથો સાથ અતિ પછાત શિક્ષણ વિહોણા આદિવાસી વિસ્‍તારમાં શિક્ષણ સંપાદનનું કાર્ય કરી સંસ્‍થાએ સૈકાની સફર પુરી કરી છે. આ શતાબ્‍દી મહોત્‍સવના રૂડા અવસરે સંસ્‍થાપકો, શિક્ષકો, ટ્રસ્‍ટીગણ સર્વેને શુભેચ્‍છા પાઠવી બિરદાવ્‍યા હતા. તેમણે આદિવાસી વિસ્‍તારમાં શિક્ષણ સંપાદનનું કાર્ય કરી સંસ્‍થા સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બની છે તેમ પણ જણાવ્‍યું હતું. ડીસેમ્‍બર – ૧૯૧૩ માં એ.વી.સ્‍કુલના સ્‍વરૂપે માત્ર ત્રણ ઓરડા અને ૨૨ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શાળામાં ૨૨ મી જૂન ૧૯૧૪ ના રોજથી શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું. અત્‍યાર સુધીમાં આ સંસ્‍થામાં ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી ચુક્‍યા છે. નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દીવાન ધનજીશા હાઇસ્‍કુલ ઝઘડીયા ‘સૈકાની સફર’ સફળતાપૂર્વક પૂર્ણ કરી શતાબ્‍દી મહોત્‍સવની તકતી અનાવરણ કરાઇ હતી.

આ શતાબ્‍દી મહોત્‍સવ ઉદઘાટન સમારોહ વેળાએ રાજ્‍યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા, સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, રાજપીપળાના મહારાજા શ્રી રઘુવીરસિંહજી ગોહિલ, સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, પૂર્વ સાંસદશ્રી ભરતસિંહજી પરમાર, ધારાસભ્‍યોસર્વશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, શ્રી અરૂણસિંહ રણા, દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્‍યામભાઇ પટેલ, શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી રણજીતસિંહ પરમાર, મંત્રીશ્રી કિરીટ કે. ગાંધી ઉપસ્‍થિત રહ્‍યા હતા.

આ અવસરે રાજ્‍યપાલશ્રીએ શાળાના સ્‍થાપકોને યાદ કરી તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે  સાચા શિક્ષણનું મહત્‍વ સમજાવી જણાવ્‍યું હતું કે, શિક્ષણ આપતી સંસ્‍થાઓએ શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણનું વાતાવરણ મળવું જોઇએ. શિક્ષકો ધ્‍વારા વિદ્યાર્થીઓમાં છુપી રહેલી શક્‍તિઓને બહાર લાવવાનું કાર્ય કરવું જોઇએ. વિદ્યાર્થીઓને સશક્‍ત બનાવવું અને સંસ્‍કારી બનાવવું એ શિક્ષકોની ફરજ છે. સરકાર અને સમાજ બન્ને સાથે મળીને શિક્ષણની ચિંતા કરે છે ત્‍યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં નવી પેઢીને શિક્ષિત કરી સંસ્‍કારી બનાવી ‘નયા ભારત’ નું નિર્માણ કરવા આપણે સૌ આગળ આવી કટિબધ્‍ધ બનીએ એવો અનુરોધ ઉપસ્‍થિત સૌને ર્ક્‍યો હતો.

શિક્ષણ રાજ્‍ય મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ શ્રી નૂતન કેળવણી મંડળ ઝઘડીયા કે જે અતિ પછાત શિક્ષણ વિહોણા આદિવાસી વિસ્‍તારમાં છેલ્લા ૧૦૦ વર્ષથી શિક્ષણ કાર્ય હાથ ધરી સંસ્‍કાર સિંચનનું ભગીરથ કાર્ય સંસ્‍થાપકો ધ્‍વારા થઇ રહ્‍યું છે તેને બિરદાવી તમામ પૂર્વજોને વંદન અને નમન કરતાંઆનંદની લાગણી વ્‍યક્‍ત કરી હતી. શિક્ષણ સાથે સંસ્‍કાર જરૂરી છે. રોજીંદા વ્‍યવહારમાં બાળકને સારૂ શિક્ષણ મળે, સારો નાગરિક સમાજને મળે આ આખી પ્રક્રિયા સાથે શિક્ષક અને શૈક્ષણિક સંસ્‍થા જોડાયેલી છે. આ માટે શિક્ષકો ફરજનિષ્‍ઠ બને તેવી ખાસ ટકોર કરી હતી. તેમણે શિક્ષણની ચિંતાના ભાગરૂપે વડાપ્રધાનશ્રીએ શિક્ષણ પ્રત્‍યે કરેલા કાર્યોની ઝાંખી કરાવી હતી. દરેક મા-બાપ પોતાના બાળકોને પસંદગી મુજબના વિષયને પ્રાધાન્‍ય આપે બાળક તણાવમુકત પરીક્ષા આપે અને પોતાની મૂંઝવણ દૂર કરે તેવી ખાસ અપેક્ષા સેવી હતી. વધુમાં ગુજરાતના મહામહિમ ઓમપ્રકારજી કોહલી આજે દિલ્‍હીથી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી ધ્‍વારા લાઇવ ટેલીકાસ્‍ટ બેસીને નિહાળશે જે દેશમાં પ્રથમવાર બનશે એમ પણ તેમણે જણાવ્‍યું હતું.

પૂર્વ સાંસદશ્રી ભરતસિંહ પરમાર અને ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ સંસ્‍થાની ૧૦૦ વર્ષની સ્‍મૃતિને વાગોળી સફળતાના શિખરો પાર કરવામાં સહભાગી તમામ સંસ્‍થાપકોને બિરદાવ્‍યા હતા. બંન્ને મહાનુભાવોએ ઉચ્‍ચ કારકિર્દી પ્રાપ્‍ત કરવા શિક્ષણ જ અનિવાર્ય તાકાત છે ત્‍યારે દરેક વિદ્યાર્થી સારૂ શિક્ષણ પ્રાપ્‍ત કરે તેવી અપેક્ષા સેવી હતી.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્‍યશ્રી રમેશભાઇ મિષાી, જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગ, જિલ્લા આગેવાનશ્રી યોગેશભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રી ઝઘડીયા, શ્રી નૂતન મેળવણી મંડળના હોદ્દેદારો, ધી દીવાન ધનજીશા હાઇસ્‍કુલના આચાર્ય સર્વશ્રી પ્રવિણસિંહ ઝાલા, શ્રી ધર્મેન્‍દ્રસિંહ યાદવ, શાળાના શિક્ષકો, ગામના સરપંચશ્રી રસિલાબેન વસાવા, ગામ આગેવાનો, પદાધિકારીઓ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્‍યા હતા. કાર્યક્રમના પ્રારંભે શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી રણજીતસિંહ પરમારે સ્‍વાગત પ્રવચન ધ્‍વારા સંસ્‍થાનો ટૂંકો પરિચય આપ્‍યો હતો. શાળાના વિદ્યાર્થીઓ ધ્‍વારા પ્રાર્થના અને વેલકમ ગીત રજુ થયું હતું. કાર્યક્રમના અંતે રાષ્‍ટ્ર ગીતનું ગાન થયું હતું. અંતમાં આભારવિધિ શ્રી નૂતન કેળવણી મંડળના મંત્રીશ્રી કિરીટભાઇ ગાંધીએ કરી હતી.

કાર્યક્રમ બાદ એ.પી.એમ.સી. હોલ ઝઘડીયા ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના તણાવ મુક્‍ત પરીક્ષા પર ચર્ચાનું લાઇવ ટેલીકાસ્‍ટ રાજ્‍યપાલશ્રી ઓ.પી.કોહલી, શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, પૂર્વ સાંસદશ્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્‍યોસર્વશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, અરૂણસિંહ રણા સહિત આગેવાન પદાધિકારીઓ, ઉચ્‍ચ અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ નિહાળ્‍યું હતું.


Share

Related posts

શેરબજારમાં રચાયો ઈતિહાસ! સેન્સેક્સએ 66000 ની સપાટી કૂદાવી, નિફ્ટી ઓલટાઈમ હાઈ પર પહોંચી

ProudOfGujarat

વાઘોડિયામાં વડોદરા જિલ્લાનો બીજો આયુષ મેળો યોજાયો.

ProudOfGujarat

જામનગરમાં દેવરાજ દેપાળ શાળા ખાતે વિજ્ઞાન-ગણિતનું પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat
error: Content is protected !!