Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 582 જેટલાં શિક્ષકોની ઘટ, જયારે વિદ્યાસહાયકોની ભરતીમાં વિલંબ

Share

તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓની ઘટના આંકડાં જાહેર થયાં બાદ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. રાજ્ય સરકારે આપેલી માહિતી મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 21000 જેટલાં શિક્ષકો અને આચાર્યોની ઘટ છે અને રાજ્યની 906 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. આ આંકડા જોઈને કલ્પના કરી શકાય કે રાજ્યમાં શિક્ષણની શું પરિસ્થતિ હશે. એક તરફ સરકાર સ્કૂલ ઓફ એક્સેલેન્સ, જ્ઞાનસેતુ, વિદ્યાસમીક્ષા કેન્દ્ર જેવા નવા-નવા પ્રોજેક્ટો અમલમાં મૂકી રહી છે, ત્યારે જાહેર થયેલી માહિતીથી હકીકતમાં ચિત્ર કંઈક અલગ જ બહાર આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં 877 સરકારી પ્રાથમિક શાળાઓ છે. જેમાં 557 શિક્ષકો અને 25 આચાર્યની જગ્યાઓ ખાલી છે. આગામી સમયમાં બદલી કેમ્પના કારણે મોટી સંખ્યામાં શિક્ષકોની બદલી થવાથી અને 31 મે ના રોજ સામૂહિક રીતે શિક્ષકો વયનિવૃત થશે ત્યારે નવા સત્રમાં શિક્ષકોની ઘટનો આંકડો ચિંતાજનક હદે વધવાની સંભાવના છે.

રાજ્યમાં અને જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટ દૂર કરવાં શું પગલાં ભરવામાં આવ્યાં છે. તેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પહેલાં ઓક્ટોબર મહિનામાં 2600 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 90 જગ્યાઓ ભરૂચ જિલ્લામાં ભરવાની હતી. પરંતુ જાહેરાતના 6 મહિના બાદ પણ આજદિન સુધી નિમણૂક આપવામાં આવેલ નથી.

Advertisement

આ અંગે વિદ્યાસહાયક ભરતીના ઉમેદવાર સૈયદ શાહરૂખહુસેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વિદ્યાસહાયક ભરતી 35 થી 50 દિવસમાં પૂર્ણ થઈ જાય છે. પરંતુ આ વખતે 6 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં ફાઈનલ મેરીટ પણ જાહેર થઈ ગયું છે. અને ઉમેદવારો જિલ્લા પસંદગી બાબતે ગાંધીનગરમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને ભરતી બોર્ડના અધિકારીઓને ઘણાં સમયથી રજૂઆતો કરી રહ્યાં છે. પરંતુ કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી.

જ્યારે રાજ્યમાં શિક્ષકોની આટલી મોટી સંખ્યામાં ઘટ હોય ત્યારે આ રીતે ભરતી પ્રકિયામાં વિલંબ કરવો ખરેખર કેટલો યોગ્ય છે. સરકાર દ્વારા નવા સત્રમાં શિક્ષકોની ઘટ દૂર કરવા માટે શું પગલા ભરવામાં આવે છે તે હવે જોવું રહ્યું.


Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાની પ્રાથમિક શાળાઓ હવે ફાયર સેફટીથી સજજ બનશે.

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

બગોદરા હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 1 નું મોત 10 થી વધુ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!