ભરૂચ.
પોલીસ વિભાગમાં અધિકારીઓની બદલી એ સામાન્ય બાબત છે. એકાદ-બે વર્ષ સુધી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ અધિકારીઓની બદલીઓ થતી રહેતી હોય છે. પરંતુ આ સમયકાળ દરમિયાનમાં અધિકારી દ્વારા વિસ્તારમાં કરેલાં કાર્યો અને સ્ટાફ સાથે કરેલી વર્તણૂંક એ જીવન એક યાદ બની જતી હોય છે. ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ એવા હોય છે. જે તેમની કાર્યપ્રણાલી અને લોકો સાથેના સંવાદ અને સ્ટાફને એક વડીલ તરીકે માર્ગદર્શન આપીને કપરી પરિસ્થિતીને પણ સુચારૂ રીતે પાર પાડે છે. ત્યારે જ્યારે તેમની બદલી થાય છે ત્યારે તેમનો સ્ટાફ જાણે તેમનો એક મોભી તેમનાથી દૂર જઇ રહ્યો હોય તેવો અનુભવ કરે છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના કેટલાંક પીઆઇની બદલી કરી હતી. જેમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે છેલ્લાં સવા વર્ષથી ફરજ બજાવતાં પીઆઇ વી. યુ. ગડરિયાની બદલી અંક્લેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી છે. ત્યારે તેમની બદલીના સમાચાર સાંભળીને તેમના સ્ટાફનું હ્રદય ભરાઇ આવ્યું હતું. મળતિયો સ્વભાવ, મૃદુવાણી અને ફરજ પ્રત્યે હંમેશા તત્પર રહેતાં વી. યુ. ગડરિયાએ સ્ટાફ અને પોલીસ વિસ્તારમાં રહેતાં લોકોના દિલમાં અલાયદું મુકામ હાંસિલ કરી દીધું હતુ. તેમના વિદાય સમારોહમાં વિસ્તારમાં રહેતાં જાગૃત નાગરિકો અને સંસ્થાઓના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલી કામગીરીને લોકોએ વાગોળી હતી. તેઓ જ્યારે તેમના કેબીનમાંથી બહાર નિકળી રહ્યાં હતાં. ત્યારે તેમના સ્ટાફે આંખોમાં અશ્રુ સાથે પુષ્પ વર્ષા કરી તેમને વિદાય આપી હતી. વિદાયના અંતિમ દિવસે વી. યુ. ગડરિયાએ તમામ સ્ટાફના લોકોને ગળે મળ્યાં હતાં. બદલી એ એક પ્રક્રિયા છે પણ આ સમયગાળામાં બનેલાં સંબંધ હરહંમેશ રહેશે અને જીવનમાં જ્યારે પણ કોઇ કામ પડે તો યાદ કરજો તેમ કહી તેમણે તેમના સ્ટાફનો આભાર માણ્યો હતો.
