ભરૂચ-નર્મદા જિલ્લામાં દૂધધારા ડેરીના માધ્યમથી અમુલ દૂધની ખરીદી કરતાં ગ્રાહકોના માથે દૈનિક 2.20 લાખ રૂપિયાનું ભારણ વધી ગયું છે. ગુજરાત સ્થાપના દિનથી અમુલ ડેરી દ્વારા એક લીટર પર 2 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. હજી 11 મહિના પહેલાં જ અમુલ ડેરીએ 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાં એક જ વર્ષમાં પુન: વધારાને લઇને લોકોની ચ્હામાં દૂધની માત્રા ઘટે તો નવાઇ નહીં.
ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ( દૂધધારા ડેરી) દ્વારા રોજના 1.50 લાખ લીટરમાંથી 1.10 લાખ લીટર દૂધનું પેકેજિંગ દૂધ તરીકે વેચાણ કરવામાં આવે છે. ત્યારે દૂધધારા ડેરી મારફતે ચાલતાં અમૂલ ડેરી દ્વારા પ્રતિ લીટરના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. જેના કારણે કુલ 1.10 લાખ લીટર દૂધની ખરીદી કરતાં ગ્રાહકોના માથે હવે 2.20 લાખ રૂપિયો બોજો વધી જશે. અમુલના ગોલ્ડ, તાજા, શક્તિ સહિતના દૂધના પાઉચના ભાવમાં વધારો થવાની સાથે સાથે તેના બાયપ્રોડક્ટસ જેમ કે, છાસ,દહીં ચીઝ વગેરેના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.
ડેરી સંચાલકોએ જણાવ્યું હતું કે, ફેડરેશન દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે તે મુજબ અમારે ભાવ રાખવો પડે છે. જેમાં દૂધનાફેટના આધારે ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. હાલમાં વેચાતા અમુલ ગોલ્ડ દૂધમાં 6 ટકા ફેટ હોય છે.. જ્યારે અમુલ તાજામાં 3 ટકા ફેટ આવતો હોય છે. જેથી તેનો ભાવ ઓછો હોય છે.
—————
ઉનાળામાં દૂધની કમી થતી હોય ભાવમાં વધારો થાય છે
ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા પશુપાલકોને દૂધના ફેટના આધારે ભાવ આપવામાં આવતો હોય છે. જેમાં ગાયના દૂધ કરતાં ભેસના દૂધનો ભાવ પશુપાલકોને વધુ મળતો હોય છે. ઉનાળાની સિઝનમાં ગરમી અને પાણી-ઘાસચારાની અછત સહિતના કારણોસર દૂધના ઉત્પાદનમાં 5થી 10 ટકાનો ઘટાડો થતો હોય છે. ઉત્પાદન ઘટનવાને કારણે ભાવમાં વધારો થાય છે.
