જંબુસર તાલુકાના દહેગામ ગામે બનેલી ઘટના
ભરૂચ.
જંબુસર તાલુકામાં આવેલાં દહેગામ ગામે સિંધીવાડ વિસ્તારમાં રહેતાં ઇસ્માઇલ ઉમર મિયા બડા મલેકનો પુત્ર ફરહાન કાવી રોડ પર આવેલાં ફીઝા રેસિડન્સના પ્લોટ પર ક્રિકેટ રમાવ માટે ગયો હતો. ત્યાં ક્રિકેટ રમતી વેળાં ફરહાનનો ગામના યાસીન ઇકબાલ હસન દોસુના પુત્ર ફૈઝાન સાથે ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થતાં ફરહાન તેના ઘરે પરત આવી ગયો હતો. અને તેણે તમામ હકિકત તેના પિતાને જણાવી હતી. અરસામાં સાંજના સમયે તેમનો આખો પરિવાર ઘરમાં હતો. તે વેળાં યાસીન ઇકબાલ હસન દોસુ હાથમાં ડાંગ લઇને તેમના ઘરે આવ્યો હતો. તેણે તેમની પત્ની યાસ્મિનને અપશબ્દો ઉચ્ચારી તમારો છોકરો ફરહાન મારા છોકરાને કેમ મારીને આવતો રહ્યો છે તેમ કહીં ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી ઇસ્માઇલે ઘરની બહાર આવી તેમની સાથે વાત કરવા જતાં યાસીને તેમના માથામાં ડાંગ મારી ઇજાઓ કરી હતી. બીજી તરફ યાસીનનું ઉપરાણું લઇને તેના બે ભાઇઓ બીલાલ તેમજ સફિયાન પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં. ત્રણેય ભાઇઓએ મળી પરિવાર પર હુમલો કરી તેમને માર મારવા લાગ્યાં હતાં. અરસામાં ઇસ્માઇલના સાગસંબંધીઓ તેમજ આસપાસના લોકોએ આવી તેમને બચાવ્યાં હતાં. જોકે, તેઓ ત્રણેય ભાઇઓએ તેમને જતાં જતાં જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જતાં રહ્યાં હતાં. બનાવને પગલે તેમણે કાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
