સરકારે ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
બોરોસિલ રિન્યૂએબલ્સના દ્વારા ૧૦૦૦ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરી જળસંચય પ્રવૃત્તિમાં ઉમદા યોગદાન આપશે
કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧માં “કેચ ધ રેઇન”અભિયાનનો પ્રારંભ કર્યો હતો, જેનુ મુખ્ય લક્ષ્ય દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવાનું હતું. વડાપ્રધાન “જળસંચય જનસહભાગીદારીથી જનઆંદોલનમાં પરિવર્તિત થવો જોઈએ.” એ ભાવના સાથે દરેક નાગરિકે પોતાની કર્મભૂમિ,માતૃભૂમિને જળસંચયના કાર્યોથી સમૃદ્ધ બનાવે એના આગ્રહી રહ્યા છે. જળસંચય ક્ષેત્રે વડાપ્રધાનના યોગદાન વિશે મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર યોજના પૂર્ણ કરી સાથે રિવર લિંકિંગની કલ્પનાને સાકાર કરવાનો પ્રયાસ કર્યો. અટલજીના સ્વપ્નને પૂર્ણરૂપ આપીને મા નર્મદાના પાણીને સાબરમતી નદી સાથે જોડીને તેનાથી સૌરાષ્ટ્રની નદીઓ,તળાવો અને છેક કચ્છ સુધી પાણી પહોંચાડયું છે.

તેમણે ઉમેર્યું કે, દેશના દરેક જિલ્લામાં ૭૫ તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યો છે. જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગ મિશનનો ઉદ્દેશ ખેતરે-ખેતરે, ગામડે-ગામડે, શહેરે-શહેરે, વરસાદી પાણી જ્યાં પણ પડે ત્યાં તેનો સંગ્રહ કરવાનો છે. સરકારે ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે.
આ તકે તેમણે કહ્યું કે, નદીઓ પર મોટા ડેમ બનાવવા માટે ૨૫ વર્ષનો સમય હવે નથી રહ્યો ત્યારે જળસંચય જ એકમાત્ર તેનો ઉપાય છે. જમીનમાં પાણી ઉતારવું સસ્તુ છે, પાણી ફરી મેળવવું સહેલુ પણ છે. એટલા જ માટે ૨૦૨૧માં કેચ ધ રેઈનનું આહવાન પ્રધાનમંત્રીએ આપણને આપ્યો હતો. હાલ દેશમાં વડાપ્રધાનના એક આહવાન થકી ૧૬ લાખથી વધુ જળસંચયના સ્ટ્રકચરો ઉભા થયા છે. લોકોને હવે તેની જરૂરીયાત સમજાઈ છે. જળ છે તો જીવન છે જ પરંતુ હવે એ વ્યાખ્યા બદલાતા જલ હે તો કલ હૈ ! એમ ભારપૂર્વક જણાવ્યું હતું.
વધુમાં, નીતિ આયોગના ડેટા પ્રમાણે ૨૦૩૦ સુધીમાં પાણી માટે વસમી સ્થિતિનું નિર્માણ થઈ શકે એમ છે. ઇતિહાસકારોના મતે આવનારા ભવિષ્યમાં ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે. એ યુદ્ધ ભલે પાણી માટે હોય, પણ ભારત દેશ યુદ્ધમાં ક્યાંયે નહી હોય. એમ ભાર પૂર્વક જણાવી,આવનારી સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અત્યારથી જળસંચયનું કામ કરી રહી છે. જળસંચય માટે સરકાર સાથે જનભાગીદારીના રૂપમાં પડખે પાણી માટે આપને સોએ જાગૃત થવું જ પડશે. આ પ્રસંગે, નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણના પ્રતીકાત્મક શુભારંભના ભાગરૂપે વૈદિક મંત્રોચ્ચારો સાથે મહાનુભાવોએ નર્મદા નદીનું પાણી એક રિચાર્જ કૂવામાં અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, આગેવાન મુકેશ પટેલ, પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જળ સંરક્ષણવિદ મયંક ગાંધી, બોરોસિલ રિન્યૂએબલ્સ લિમિટેડના ચેરમેન પ્રદીપ ખેરુકા અને વાઇસ ચેરમેન શ્રીવર ખેરુકા, બોરોસિલ રિન્યૂએબલ્સના પ્રતિનિધિઓ, આગેવાન પદાધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
