ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે વહિવટી તંત્ર પણ તમામ રીતે એલર્ટ
ભરૂચ.
અરબી સમુદ્રમાં સર્જાયેલાં લો-પ્રેશરના કારણે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે આગામી 28મી મે સુધી ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ભાગરૂપે ભરૂચ જિલ્લાને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકા હાંસોટ, જંબુસર અને વાગરાના 29 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના 122 કિમીમાં ફેલાયેલાં દરિયા કિનારે તેમજ નર્મદા પટમાં મોટો વર્ગ માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલાં લો-પ્રેશરના કારણે એક તરફ ગુજરાત વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને સલામતીના પગલાં ભરવા તાકીદ કરવામાં આવ્યાં છે. આગામી 28મી મે સુધી ભરૂચ શહેર-જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તેમજ વાવાઝોડું ફુંકાવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના પગલે વહિવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવા સાથે તકેદારીને લઇને અમુક સુચનો આપવામાં આવ્યાં છે. ભરૂચ જિલ્લાના માછીમારોને આગામી 28મી મે સુધી દરિયો નહીં ખેડવા સુચના આપી છે. ઉપરાંત અગરિયાઓને પણ હાલમાં શેલ્ટર હોમમાં કે સુરક્ષિત સ્થળે આશરો લેવા સુચવવામાં આવ્યું છે. બીજી તરફ લોકોને પણ વિના કારણ મુસાફરી નહીં કરવા માાટે સુચના આપી છે.
વહિવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવતાં ભાડભૂત સહિતના ગામોના માછીમારોએ પોતાની નાવડીઓ-બોટને નદી કિનારે લાંગરી હતી. એકતરફ રોજ કમાઇને રોજ ખાતા માછીમારો મુખ્યત્વે માછીમારી પરત જીવતાં હોય છે. ત્યારે ચારેક દિવસ સુધી તેમની બોટ નદી કિનારે લાંગરેલી રહેવાને કારણે આજીવીકા પર પણ અસર પડી છે. જોકે, હાલની સ્થિતીને લઇને તેઓએ દરિયામાં માછીમારી કરવા જવાનું ટાળ્યું છે.
બીજી તરફ વીજ કંપની સાથે પણ સતત લાઇઝનીંગમાં રહી શહેર જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે, તેમજ જો કોઇ કારણસર વીજપુરવઠો ખોરવાય તો તેને સત્વરે કેવી રીતે શરૂ કરાય તે માટેનું આયોજન કરવા માટે પણ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સુચના આપી દીધી છે.
