ભરૂચની નવી વસાહતમાં રહેતાં સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટરો પર રોષ ઠાલવ્યો
આગામી ચૂંટણીમાં વિસ્તારનું કામ કરે તેવાને વોટ કરીશું તેવો સ્થાનિકોનો સૂર
ભરૂચ.
ભરૂચની નવી વસાહતમાં અંડરગ્રાઉન્ડ ગટર બ્લોક થતાં સામાન્ય વરસાદમાં જ ગંદા પાણી લોકોના ઘરોમાં ભરાઇ જતાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટરો પર રોષ ઠાલવી આવતાં ઇલેક્શનમાં જે વ્યક્તિ સ્થાનિકોના પ્રશ્નો-સમસ્યાનું નિરાકરણ લાવી શકશે તેને જ વોટ કરવામાં આવશે તેવો સૂર સ્થાનિકોએ ઉઠાવ્યો હતો.

ભરૂચ શહેરમાં ગઇકાલે મધ્યરાત્રીએથી વાતાવરણમાં બદલાવ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. અંદાજે 8 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતાં જ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. ભરૂચના નવીવસાહતમાં નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન ચોકઅપ થઇ જવાને કારણે લોકોના માથે આફત આવી પડી હતી. પાણીનો નિકાલ નહીં થતાં ગટરના ગંદા પાણી તેમજ વરસાદી પાણીનો ભરાવો થતાં વિસ્તારના નિચાણવાળા ઘરોમાં દુષિત પાણી ભરાઇ ગયાં હતાં. જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટર પર રોષ ઠાલવવા સાથે જણાવ્યું હતું કે, છેલ્લાં 4 મહિના ઉપરાંતથી તેમના વિસ્તારની ગટર ચોકઅપ હોવાની ફરિયાદ કોર્પોરેટર તેમજ નગરપાલિકામાં કરીએ ત્યારે તેઓ આજ-કાલ કરે છે. આજે પાલિકાની બેદરકારી અને તેઓએ સમયસર ગટરની સફાઇ ન કરી હોવાને કારણે સામાન્ય વરસાદમાં જ તેમના ઘરમાં ગટરનું ગંદુ પાણી પ્રવેશી ગયું હતું. હજીનો ચોમાસાની શરૂઆત થઇ નથી. ત્યાં આ હાલત છે તો ચોમાસામાં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
