ભરૂચ.
ભરૂચ તાલુકાનાં કરમાડ ગામે 20 એપ્રિલ 2019 ના રોજ નવી નગરી વ્હાલુ ફળીયામાં રહેતા નરેન્દ્ર ઉર્ફે મુન્નો વસાવાએ પરિણીતાનાં ઘરે આવી તેના પતિ કમલેશ વસાવાને તું મારા ઘરે તારી પત્નીને શોધવા કેમ આવ્યો હતો તેમ કહી ઝઘડો કર્યો હતો.ઉશ્કેરાયેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો વસાવાએ તેના હાથમાની કુહાડી કમલેશભાઈનાં માથામાં મારી દેતા તેઓ રોડ ઉપર પડી ગયા હતા. જ્યાં તેઓનું સ્થળ પર જ મોત થયું હતું.
ભરૂચ તાલુકા પોલીસ મથકે હત્યાના આ ગુનામાં ચાર્જશીટ દાખલ થયેલ કેસ ભરૂચ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. ભરૂચનાં બીજા એડીશનલ સેસન્સ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ ઈ.એમ.શેખની કોર્ટમાં સરકાર તર્ફે સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડે ઉપસ્થિત રહી 14 સાહેદોને તપસ્યા હતા. સાથે 21 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.સરકારી વકીલની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખી કોર્ટ દ્રારા આરોપીને ખુનનાં ગુનામાં કસુરવાર ઠરાવી, આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
