ભરૂચ
ભરૂચ જીલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક(વહીવટ) અને ઇ.ચા.નાયબ માહિતી નિયામક સંજય.પટેલ તારીખઃ ૩૧/૦૫/૨૦૨૫ના રોજ વય નિવૃત્ત થતાં તેમના વિદાય સમારોહ પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત માહિતી નિયામક અમીત ગઢવીના અધ્યક્ષસ્થાને ભરૂચ કચેરી ખાતે યોજાયો હતો. આ વેળાએ જિલ્લા માહિતી કચેરી નર્મદા નાયબ માહિતી નિયામક અરવિંદ.મછાર, વલસાડ કચેરીના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા, સુરત કચેરીના ઇનચાર્જ નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા,સહાયક માહિતી નિયામક ચીમનભાઇ વસાવા તથા ભરૂચ કચેરીના કર્મચારીઓએ ભાવભેર વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ વેળાએ, સુરતના સંયુકત માહિતી નિયામક અમીત ગઢવીએ વય નિવૃત્ત થતાં સંજય પટેલે આપેલી સેવાની કામગીરીને બિરદાવી કહ્યું હતું કે, માહિતી ખાતાને તેમણે જીવનનો ખૂબ લાંબો સમય આપ્યો છે. અધિકારી તરીકે ચીવટપૂર્વક કામ કરવાની કુશળતા, કામ પ્રત્યેની તેમની ફરજનિષ્ઠા , પોઝીટીવનેસ સાથે અધિકારીઓ સહિત મીડિયા સાથે તેમનું સંકલન કાબિલે તારીફ રહ્યું છે. તેમણે પોતાના કામથી એક તંદુરસ્ત જગ્યા બનાવી છે. અંતમાં, નિવૃતિમય જીવનની શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી અને નોકરીની જવાબદારીઓમાંથી મુક્ત થઈ બાકીનો સમય પોતાના પરિવારને આપી, પોતાના રસના વિષય ક્ષેત્રમાં કાર્યરત રહેવા જણાવ્યું હતું.
કચેરીના માહિતી મદદનીશશ્રી યોગેશભાઇ વસાવા, અધિક્ષક બી.કે.વસાવા જુનિયર કલાર્ક આશિષ રાણા અને ઓપરેટર વસંતભાઇ સોજીત્રાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહયું કે સરકારી સેવામાં દાખલ થયા પછી ત્રણ મહત્વના તબકકા વ્યકિતના જીવનમાં આવે છે….બઢતી, બદલી અને નિવૃત્તિ ….આ એવો પ્રસંગ છે જેમાં ત્રણેય તબકકાઓના સ્મરણની ફૂલગૂંથણીનો આશરો લેવો પડશે…તેમણે પટેલ સાથેની કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળી તેમની સેવાઓને બિરદાવી નિવૃતિની શુભકામનાઓ પાઠવી હતી
નિવૃત્તિ વિદાય સમારંભ વેળાએ સંજય પટેલે માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા. અને માહિતી વિભાગમાં ૩૯ વર્ષ દરમિયાન કરેલ નોકરી અંગેના અનુભવો વર્ણવ્યા હતા. જિલ્લા માહિતી કચેરીના સંપૂર્ણ સ્ટાફ પરિવાર ધ્વારા નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી નવી ઇનિંગ્સ માટે તેઓને શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ કચેરીના નિવૃત્ત સ્ટાફ તેમજ પટેલના પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.
