ભરૂચ.
ભરૂચ નેશનલ હાઇવે પર સેગવા પાટિયા પાસે એક જૈન સાધ્વીજીની વ્હિલ ચેર પર બેસાડીને એક સેવિકા રસ્તો ક્રોસ કરાવી રહી હતી. તે વેળાં પાલેજથી ભરૂચ તરફ આવવાનારોડ પર ડિવાયડરથી ત્રીજા નંબરના ટ્રેક પર ટેમ્પો ચાલકે તેમને ટક્કર મારતાં જૈન સાધ્વી અને તેમની સેવિકા રોડ પર પટકાઇ હતી. દરમિયાનમાં ટેમ્પોનું ટાયર સેવિકા પર ફરી વળતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ટેમ્પો ચાલકે ટેમ્પો ઉભો રાખી મદદે દોડી આવ્યો હતો. 108ની મદદથી જૈન સાધ્વીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનના પાલી ખાતે રહેતાં લક્ષ્મણસિંહ સેતાનસિંહ રાવણા શ્રમણ સંઘના જૈન સાધ્વી મહારાજશ્રી ઉમરાવકવરજી મહારાજ, પ્રિતીસુધાજી, મધુસુધાજી મહારાજ તેમજ સંયમસુધાજી મહારાજને વિહાર કરવા ભેટમાં મળેલી અર્ટીગા કાર પર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જૈન સાધ્વીઓ પૈકીના મધુ સુધાજી મહારાજને વ્હિલચેરમાં વિહાર કરવા માટે તેઓની સેવા માટે સેવિકા તરીકે ગજરાબેન મોડારામ મેઘવાલ(રહે. પાલી, રાજસ્થાન) હતાં. વહેલી સવારે પોણા પાંચ વાગ્યે તેઓ વરેડિયા સુંદરવિહાર ધામથી અસુરિયા ગામે આવેલાં જૈન વિહાર ધામ ખાતે જવા માટે પગપાળા વિહાર લઇને નિકળ્યાં હતાં. મધુસુધાજી સાધ્વી મહારાજને તેમની સેવિકા ગજરાબેન મેઘવાલ વ્હિલચેર પર બસાડી રોડની સાઇડમાં ચાલતાં હતાં. દરમિયાનમાં વરેડિયાની શમા હોટલ સામે આવેલી સેગવા ચોકડી પર ભરૂચ તરફ આવવા તેઓ રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં. તે સમયે પાલેજથી ભરૂચ તરફ જવાના રોડ પર ડિવાયડરથી ત્રીજા નંબરના ટ્રેક પર એક આયશર ટેમ્પોએ પુરઝડપે ધસી આવી મધુસુધાજી મહારાજની વ્હિલ ચેરને અથાડી અકસ્માત સર્જતાં જૈન સાધ્વી મહારાજ તેમજ સેવિકા ગજરાબેન રોડ પર પટકાયાં હતાં. દરમિયાનમાં આયશરનું ટાયર સેવિકા ગજેરાબેનના માથા પરથી ફરી વળતાં તેમનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મધુસુધાજી મહારાજને પણ ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે તેમણે 108ને ફોન કરતાં અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક તેમની પાસે આવતાં તેણે તેનું નામ અચ્છેલાલ શ્રીબિન્દરા યાદવ (રહે. જોનપુર, યુપી) હોવાનું જણાવ્યું હતું. 108ની એમ્બ્યુલન્સ આવતાં સાધ્વી મધુસુધાજી મહારાજને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવને પગલે પાલેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે
