વેરાવળની એજન્સીઓને ભરૂચમાં કામ અપાવવામાં પ્રભાવી મંત્રીનો પ્રભાવ હતો કે કેમ તેની તપાસ થશે
ભરૂચ.
ભરૂચ મનરેગા કૌભાંડ હાલમાં ટોક ઓફ ધ ટાઉનના બદલે ટોક ઓફ ધી સ્ટેટ બની ગયું છે. દાહોદમાં બચુ ખાબડના પુત્રોએ આચરેલાં મનરેગા કૌભાંડ બાદ ભરૂચનું મનરેગા હાલમાં ભારે ચર્ચામાં છે. ત્યારે પોલીસ દ્વારા પણ મામલામાં તમામ પાસાઓની તબક્કાવાર અને ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં થયેલાં 7.30 કરોડથી વધુના કૌભાંડમાં વેરાવળની બે એજન્સીઓ સંડોવાયેલી છે. ત્યારે મનરેગાની કામગીરી માટે સ્થાનિક એજન્સીઓ પર પસંદગી નહીં ઉતારી 550 કિમી દૂરની વેરાવળની એજન્સીઓને કામગીરી સોંપવામાં આવતાં અને તેમણે કૌભાંડ આચરતાં તમામ પ્રક્રિયામાં ઇરાદા પુર્વક કોઇની દિશાદોરવણીથી કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
ભરૂચ જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં 7.30 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે વેરાવળની બન્ને એજન્સીઓ પાછળ કોની કોની સંડોવણી છે તેની તપાસ મહત્વની બની ગઇ છે. ત્યારે નોંધવું રહ્યું કે, ભરૂચ જિલ્લામાં કરવાના થતાં મનરેગાના કામોના ટેન્ડરમાં સામાન્યત: જીએસટી નંબર અને જરૂરી ટર્ન ઓવર ની જ જરૂરિયાત હોય છે. ત્યારે તે માટે ભરૂચની એજન્સીઓને પ્રાથમિકતા નહીં આપી 550 કિમી દૂર વેરાવળની એજન્સીઓને કામ આપવામાં આવતાં સમગ્ર પ્રક્રિયા જ શંકાના દાયરામાં આવી રહી છે. બહારની એજન્સીને ફાયદો કરાવવામાં કોને રસ હતો, મુખ્ય સુત્રધાર કોણ તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાઇ રહ્યાં છે.
નોંધનિય છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં બાદ મંત્રી બનેલાં એક પ્રભાવી મંત્રીએ તેમના કોંગ્રેસકાળ દરમિયાનની મિત્રતા માટે વેરાવળ જુનાગઢના કોંગ્રેસી નેતા સાથે સંકળાયેલાં પિયુષ નુકાણી અને જોધાભાઇ સભાડની એજન્સીને કામ મળે તે માટે ભરૂચના તત્કાલિન ડીડીઓને ભલામણ(સુચના) આપી હોવાનું સુુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ તપાસ દરમિયાનમાં આ પ્રભાવી મંત્રી પણ પોલીસઘેરામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
પોતાના જ પક્ષના પ્રભાવી મંત્રી દ્વારા સ્થાનિક (પોતાના માનીતાઓની) એજન્સીઓને કામ અપાવવાને બદલે બહારની એજન્સીઓને કામ આપવામાં આવતાં તેઓ દ્વારા પણ મોવડી મંડળમાં રજૂઆતો કરી હોવાનું રાજકિય સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
જોબકાર્ડ ધારકોના નિવેદનો લેવાની કવાયત શરૂ મનરેગા કૌભાંડની તપાસના ભાગરૂપે વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અન્ય સંલગ્ન લોકોના નિવેદનો લેવામાં આવ્યાં બાદ હવે જોબકાર્ડ ધારકોના નિવેદન લેવામાં આવી રહ્યાં છે. જોબકાર્ડ ધારકો એટલે કે જે રોડ રસ્તાની કામગીરી કરવામાં જે શ્રમિકોને રાખવામાં આવ્યાં હતાં તેઓએ જે તે સાઇટ પર કામ કર્યું છે કે નહીં. તેમના ખાતામાં રૂપિયા આવતાં હતા કે નહીં, કે પછી તેમના રૂપિયા બારોબાર ઉપડી જતાં હતાં તેમને આપવામાં આવતાં રૂપિયામાં કટકી વાગી છે કે કેમ તેની પણ તપાસ થઇ રહી છે.
દાહોદ મનરેગા કૌભાંડના કેસની તપાસની ખામીઓનું પુનરાવર્તન નહીં થાય દાહોદ મનરેગા કૌભાંડના કેસમાં મંત્રી બચુ ખાબડના પુત્રોને કોર્ટમાંથી જામીન મળ્યાં છે. ત્યારે કોર્ટ દ્વારા તેમના કેસમાં કેટલીંક ટીપ્પણીઓ કરવામાં આવી હતી. ભરૂચ પોલીસ દ્વારા પણ દાહોદ કેસને ધ્યાનમાં રાખીને પોતાની તપાસ ચલાવી રહી છે. તપાસમાં તમામ બારીકમાં બારીક બાબતોને આવરી લેવા સાથે તમામ જરૂરી પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
પીએમના વોકલ ફોર લોકલના વિઝનની અવગણના કરી પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સ્થાનિક લોકોને રોજગારી, ધંધામાં પ્રાથમિકતા મળે તે માટે વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં જણાવાયું છે. ત્યારે લોકલ ફોર વોકલ હેઠળ કોઇ પણ ટેન્ડર હોય તો લોકલ કોન્ટ્રાક્ટરોને જ તક મળવી જોઇએ તેના બદલે ભરૂચ જિલ્લા પંચાયતના ચોક્કસ અધિકારીઓ કે પદાધિકારીઓ દ્વારા વેરાવળની એજન્સીને અહીં બોલાવવા પાછળનો મુખ્ય હેતું સૌએ સાથે મળીને કૌભાંડ આચરવાનો જ હોઇ શકે તેમ લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
