ભરૂચ.
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં 250થી વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. ઘટનાને લઇને રાજ્યભરમાં શોકની લાગણી ફેલાઇ છે. ત્યારે ભરૂચમાં પણ અગ્રગણ્ય લોકોએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં દિવ્યંગત આત્માઓ માટે શ્રદ્ધાંજલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા-શહેર કોંંગ્રેસ સમિતી દ્વારા ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ પાસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક અશ્રુભરી શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, નાઝૂ ફડવાલા, સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં. આગેવાનોએ કેન્ડલ માર્ચ યોજી મૃતકની આત્માને ઇશ્વર શાંતી અર્પે તેમજ તેમના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.

બીજી તરફ ભરૂચના દહેજ બાયપાસ રોડ પર જંબુસર ચોકડી ખાતે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી તેમજ અન્ય મુસ્લીમ બિરાદરોએ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલી અર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા ઘટનામાં મોતને ભેંટેલાં લોકોને પ્રભુ જન્નત આપે તેવી ભાવના વ્યક્ત કરી હતી.
