મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝના નામની એજન્સીઓ સાથે જોટવાનું કનેકશન જોડાયુ
ભરૂચ.
ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં મનરેગા હેઠળ થયેલા કામોમાં મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝ નામની બે એજન્સીઓએ ૭.૨૦ કરોડની ખાયકી કરી હોવાની કરિયાદ ભરૂચ એ.ડીવીઝનમાં ૩૦ મે ના રોજ નોંધાઈ હતી. તપાસ શરૂ કરવામાં આવતા જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા દ્વારા અંન્ને એજન્સીઓ ચલાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તબકક્કે જાણવા મળતા એલસીબીએ હીરા જોટવાની ધરપકડ કરી તેને ભરૂચ લઈ આવવાની કવાયત શરૂ કરી છે
ભરૂચ જિલ્લાના મદદનીશ પ્રાયોજના અધિકારી હિસાબ પ્રતિક ચૌધરી દ્વારા ભરૂચ એ.ડીવીઝન પોલીસ મથકે જલારામ અને મુરલીધર એન્ટરપાઈઝ નામની બે એજન્સીઓ વિરૂધ્ધ મનરેગાના કામોમાં ૭.૩૦ કરોડનો ગોબાચારી કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના હાંસોટ, જંબુસર અને આમોદ તાલુકામાં 60-40 ટકા લેબર મટીરીયલનો રેસીયો જાળવીને મનરેગાનું કામ કરવાનું હતુ ત્યારે આ બંન્ને એજન્સીઓએ ભરૂચ જિલ્લામાં ૨૦-૧-૨૦૨૩થી ૨૦૨૫ સુધીમાં 56 ગામમાં થયેલા કામોમાં પુરતુ મટીરીયલ ન વાપરવા સાથે મનરેગાના નિયમ મુજબ શ્રમયોગીઓને પણ પુરતુ વળતર ન આપી ઠગાઈ કરી હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ. પોલીસે મામલાની તપાસ હાથ ધરી અંદાજે ૧૦૦ જેટલા લોકોના નિવેદનો લીધા હતા ઉપરાંત મનરેગાનું કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેની બારીકાઈથી વિગતો મેળવવામાં આવી હતી. બીજી તરફ ભરૂચમાં વેરાવળની બંન્ને એજન્સીઓને કામ કેવી રીતે આપવામાં આવ્યુ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ હતી. દરમ્યાનમાં જલારામ એન્ટરપ્રાઈઝના પિયુષ રતિલાલ નુકાણી અને મુરલીધર એન્ટરપ્રાઈઝના જોધાભાઈ નારણભાઈ સભાડની પાછળ કયું મોટું માથું હતું તેની તપાસ શરૂ કરવામાં આવતા જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા દ્વારા અંન્ને એજન્સીઓ ચલાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તબકક્કે જાણવા મળતા ભરૂચ પોલીસની એલસીબીની ટીમે જુનાગઢ ખાતે ધામા નાંખ્યા હતા.
એલસીબીએ હીરા જોટવાની ધરપકડ કરી તેને ભરૂચ લઈ આવવાની કવાયત શરૂ કરી છે ત્યારે કોંગ્રેસના હીરા જોટવાની ધરપકડ થયાની વાત વાયુવેગે પ્રસરતા રાજકીય ગરમાવો આવ્યો છે. ભરૂચ પોલીસ હાલમાં હીરા જોટવાને ભરૂચ લાવ્યા બાદ તેમની પુછપરછ હાથ ધરશે. કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહી તેની તપાસ કરશે. કૌભાંડમાં તેમનો રોલ કલીયર થયા બાદ તેમની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરાશે. ત્યારે ભરૂચ જિલ્લામાં વેરાવળની એજન્સીઓને કામ મળે તે માટે તત્કાલીન ડીડીઓ પર દબાણ કરનાર પ્રભાવી મંત્રીના રોલને લઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી શકે છે.
અમારી ટીમ હીરા જોટવાને લઈને ભરૂચ આવી રહી છે મનરેગા કૌભાંડમાં સંડોવાયેલી બંન્ને એજન્સી સાથે હીરા જોટવાનું કનેકશન હોવાનું અમારા ધ્યાનમાં આવતા જૂનાગઢથી તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં અમારી ટીમ તેમને લઈને ભરૂચ આવી રહી છે. પુછપરછ કર્યા બાદ તેમની સંડોવણી અને ચોક્કસ પુરાવા એકત્ર કરી તેઓ કસુરવાર હશે તો તેમની પણ આરોપી તરીકે ધરપકડ કરીશું - મયુર ચાવડા, જિલ્લા પોલીસવડા, ભરૂચ.
હાંસોટનો ટેકનીશીયન પણ ટૂંક સમયમાં પોલીસ સંકજામાં આવશે મનરેગા કૌભાંડને અંજામ આપવામાં સરકારી બાબુઓની પણ સંડોવણી નકારી શકાય તેમ નથી. બન્ને એજન્સીઓના બીલ જે પાસ થયા છે તેમાં સરકારી અધિકારીઓની પણ કામના દરેક તબક્કે સ્થળ વિઝીટ કરી કામ યોગ્ય રીતે થાય છે કે કેમ, મનરેગાના નિયમ મુજબ 60-40 ના રેસિયાનું પાલન થાય છે કે કેમ તે સહિતની માહિતી મેળવવાની હોય છે. જો કે આ કિસ્સામાં આ કામગીરી સરકારી અધિકારીઓએ અને કર્મચારીઓએ કરી ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે ત્યારે બીલ પાસ કરવાના કેસમાં હાંસોટના એક ટેકનીશીયન રાજેશ મહાદેવ ટેલરની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજેશ મહાદેવ ટેલર ૨૦૧૧ કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતો હતો તેનો બંન્ને એજન્સીઓ સાથે ઘરાબો થઈ ગયો હોય તેમના કારસામાં તે પણ સહભાગી બન્યો હોવાનો સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
