નર્મદા જિલ્લામાં પણ બન્ને એજન્સીઓએ કરોડોની ખાયકી કરી હોવાની શક્યતાં
હિરા જોટવા સહિત 6 જણા પોલીસ રિમાન્ડ પર, અન્ય કયાં જિલ્લામાં કામ કર્યાં તેની વિગતો મેળવાશે
બન્ને એજન્સી-હિરા જોટવા સાથે સંકળાયેલાં અન્ય કૌભાંડીઓના કનેક્શન પણ મેળવવાની કવાયત
ભરૂચ.
ભરૂચના મનરેગા કૌભાંડમાં જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા તેમના પુત્ર સહિત 6 જણાની ધરપકડ પોલીસે કરી છે. તેમજ તેમના રિમાન્ડ પણ મેળવ્યાં છે. બન્ને એજન્સીઓઓ તેમજ તેમના પરીચિતોના એકાઉન્ટની તપાસ હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં આ બન્ને એજન્સીઓ દ્વારા કામ કરવામાં આવ્યું છે. ત્યારે ત્યાં પણ બન્ને એજન્સીઓએ બોગસ કામ કર્યું હોવાની બુમ ઉઠી રહી છે ત્યારે તેમણે રાજ્યના કયાં કયાં જિલ્લામાં કામ કર્યું તેની વિગતો એકત્ર કરવાની કવાયત પણ પોલીસે હાથ ધરી છે.
ભરૂચ મનરેગા કૌભાંડમાં પોલીસે કૌભાંડના મુખ્ય સુત્રધાર એવા જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજય સહિત બન્ને એજન્સીઓના પ્રોપરાઇટર પિયુશ નુકાણી અને જોધા સભાડ, તેમજ હાંસોટ તાલુકા પંચાયતના ટેક્નિશિયન રાજેશ ટેલર તેમજ સમગ્ર કારસામાં મુખ્ય વહિવટદાર તરીકેની ભુમિકા બજાવનાર શરમન સોલંકીની પોલીસે ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવ્યાં છે. ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં 7.30 કરોડની ખાયકીના મામલામાં પોલીસ અત્યાર સુધીમાં 6 જણાની ધરપકડ કરી છે. ત્યારે તેમની સાથે સંકળાયેલાં અન્ય કૌભાંડીઓના કનેક્શન પણ મેળવી રહી છે. બન્ને એજન્સીઓ, હિરા જોટવા તેમના પુત્ર દિગ્વિજના તમામ એેકાઉન્ટોની વિગતો મેળવવા સાથે તેમના સગાસંબંધીઓ તેમજ અંગત પરીચિતોના પણ એકાઉન્ટ તપાસવામાં આવશે. વેરાવળમાં આવેલી તેમની ઓફિસોમાં દસ્તાવેજી તપાસ કરવા માટે ભરૂચ પોલીસ ટૂંક સમયમાં વેરાવળ જવા રવાના થાય તેવું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ સિવાય નર્મદા જિલ્લામાં પણ કામ કરવામાં આવ્યાં હોવાનું તેમજ ત્યાં તો ભરૂચ કરતાં પણ 10 ગણી ખાયકી કરાઇ હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. ત્યારે બન્ને એજન્સીઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કયાં કયાં જિલ્લામાં કામ કર્યું છે તેની વિગતો મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે.
મોટી રકમની લેવડ-દેવડવાળા 15 જેટલાં લોકોની તપાસ થશે મનરેગા કૌભાંડમાં બન્ને એજન્સીઓ તેમજ હિરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજયના બેન્ક ખાતાઓમાંથી અન્ય ખાતાઓમાં રૂપિયાનો વ્યવહાર થયો છે. જેમાં કરાર આધારી તેમજ આઉટસોર્સના કર્મચારીઓ સહિતના અન્ય લોકોના ખાતામાં બેથી ત્રણ લાખથી વધુનો વ્યવહાર થયો હોય તેમની પુછપરછ કરવામાં આવશે. જે બાદ તેનાથી નાની રકમની લેવડદેવડ થઇ હોય તેવા લોકોના નિવેદન લેવાશે.
ટેન્ડરીંગ વેળાં પોતાની જ એજન્સીઓ પાસે બીડ કરાવાતી હતી પોલીસ સકંજામાં આવેલાં હિરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજય સહિતનાઓની પુછપરછ પોલીસ કરી રહી છે.ત્યારે પ્રાથમિક તબક્કે હિરા જોટવાએ મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઇઝની જેમ અન્ય એજન્સીઓ પણ બનાવી હોવાનું મનાઇ રહ્યું છે. જે તે સમયે કામોનું ટેન્ડરિંગ થાય ત્યારે તેમની જ બે એજન્સીઓ દ્વારા બીડ કરવામાં આવતી હતી. જેથી કે, તેઓ તેમની જે એજન્સીને કામ અપાવવાનું હોય તે નક્કી કરી બીજી એજન્સી પિછેહટ કરી લેતી હતી. અને કામ મેળવાતું હતુ
બન્ને એજન્સીઓ માટે હિરા જોટવાએ ભલામણપત્ર આપ્યાં હતાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીની નોંધણીથી માંડી જે તે જિલ્લામાં કામ કરવાને લઇને જ્યાં જરૂર હોય ત્યાં ભલાવણ પત્ર હિરા જોટવા લખીને આપતાં હતાં. જેમાં બન્ને એજન્સીઓ દ્વારા નિષ્ઠાપુર્વક અને ગુણવત્તાપુર્વક કામગીરી કરવામાં આવશે તેવી બાંહેધરી અપાતી હતી. જોકે, તેમણે બન્ને એજન્સીઓ બોગસ કામો કરવા માટે જ ઉભી કરી હતી.
