ખુલ્લામાં કેમિકલ વાળુ પાણી છોડતી કંપની સામે લોકોમાં આક્રોશ
વાગરા.
વાગરાના સાયખા કેમીકલ ઝોનમાં આવેલ હોર્બેક્સ મેડિસીન્સ કંપનીના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં ચાર મુંગા પશુઓના શંકાસ્પદ મોતને પગલે જીઆઈડીસી વિસ્તારમાં ચકચાર વ્યાપી જવા પામી હતી. બનાવને પગલે જીપસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાયખા કેમીકલ ઝોનના ખુલ્લા પ્લોટમાં મંગળવારના રોજ ચાર ભેંસો કોઈક કારણોસર મોતને ભેટી હતી. જેને પગલે પશુપાલકના માથે આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા. ઈશ્વરભાઈ આહીરના ચાર ઢોરો મૃત્યુ પામતા તેઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓએ જણાવ્યુ હતુ કે, આ પશુઓના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા ઝેરી કેમીકલયુક્ત પ્રવાહી પીવાથી થયુ છે. તેઓએ વાગરા મામલતદાર તેમજ જીપીસીબી સહિતના તંત્રને જાણ કરી પ્રદુષણ ઓકતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓને મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગ સામે કડક કાર્યવાહીની સાથે વળતરની માંગ ઉચ્ચરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા મામલતદારને પશુઓના શંકાસ્પદ મોત બાબતે જાણ કર્યા બાદ પણ કેટલાય કલાકો સુધી મામલતદાર ઘટના સ્થળે ન પહોંચતા ઉપસ્થિત લોકોમાં મામલતદારની નિષ્ક્રીયતા સામે રોષ ફાટી નીકળ્યો હતો. જયારે ગતરોજ જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત ઢોરોની આસપાસના ખાડાઓમાં ભરાવેલા પાણીના નમૂના એકત્ર કરી પૃથક્કકરણ અર્થે જીપીસીબી કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. હવે જોવું રહ્યુ કે તંત્ર કેવી કાર્યવાહી કરે છે. હાલ તો પશુમાલિક મોટો આર્થીક ફટકો ખાઈ ન્યાય માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
GIDC ની બેદરકારીને પગલે વારંવાર પશુઓ મોતના મુખમાં ધકેલાય છે વાગરાના સાયખા સ્થિત કેમીકલ ઝોનમાં અનેક રાસાયણિક ઉદ્યોગો કાર્યરત છે. જે ઉત્પાદન પ્રક્રિયા બાદ લિક્વિડ વેસ્ટને જરૂરી પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ જીઆઈડીસીની ડ્રેનેજ લાઈનમાં ડિસ્ચાર્જ કરતા હોય છે પરંતુ આ પ્રવાહી ખુલ્લા નાળામાં કઈ રીતે પ્રસર છે તે સવાલ હાલ તો તપાસનો વિષય બન્યો છે. કેટલાક ઉદ્યોગકારો નામ ન આપવાની શરતે દોષનો ઠીકરો જીઆઈડીસીના માથે ફોડી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે જીઆઈડીસી દ્વારા નાંખવામાં આવેલ વેસ્ટ વોટર ડિસ્ચાર્જ લાઈન તકલાદી છે અને તેમાં ઠેક ઠેકાણે ભંગાણ હોવાથી ઝેરી કેમીકલ યુક્ત પ્રવાહી બહાર નીકળી ખુલ્લી જગ્યા કે નાળામાં વહે છે અને આ પાણી પીવાને કારણે અબોલ પશુઓ મોતને ભેટે છે. જેથી આ બાબતે તંત્ર દ્વારા જીઆઈડીસી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવો ગણગણાટ સાયખા ઉદ્યોગ જગતમાં થઈ રહ્યો છે. સાથે સાથે પંથકના ખેડૂતો અને પશુપાલકો પણ ઉદ્યોગોના પદુપણથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
