ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત કરી
ભરૂચ.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે, તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. જિલ્લાના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. એટલું જ નહીં, કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત, ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
