ભરૂચ
મુજપુર–ગંભીરા બ્રિજ તૂટવાથી થયેલી દુઃખદ દુર્ઘટનાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ રાજ્યના માનનીય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. પત્રમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા અનેક રજૂઆતો છતાં બ્રિજની દયનીય હાલતની તંત્રએ વારંવાર અવગણના કરી. નિયમિત તકલીફોની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જવાબદાર વિભાગ દ્વારા નિયમિત ઇન્સ્પેક્શન ન થવું તથા પ્રજા દ્વારા રજૂઆત છતાં પગલાં ન લેવાં એ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.
આ દુર્ઘટના માત્ર તંત્ર ની બેદરકારી અને ભરષ્ટાચાર ભરેલી નીતિ નું પરિણામ છે, અને અનેક નાગરિકોના જીવન માટે ગંભીર જોખમ પણ છે. સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીને પત્રમાં માંગ કરી છે કે, તાત્કાલિક ઊંદાણ પૂર્વક આપના સ્તરે થી તપાસની સુચના અપાય, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, આખા રાજ્યમાં જૂના અને જોખમયુક્ત બ્રિજની તકેદારી ચકાસણી હાથ ધરવામાં આવે, વાસ્તવિક દોષિત તત્વોને બચાવ્યા વગર જવાબદારી નક્કી થાય.
“જ્યારે સ્થાનિક લોકો પોતે રેસ્ક્યૂ કામગીરી કરે અને સરકાર સહાય માટે રાહ જોવડાવે, ત્યારે એ તંત્રના નિષ્ફળતાનું પ્રતિબિંબ છે,” એવી ટીકા પણ સંદીપ માંગરોલાએ પત્રમાં નોંધાવી છે.
આ ઘટનાની પાશ્વભૂમિમાં કોંગ્રેસ પક્ષ રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે સરકાર સામે જવાબદારીની માંગણી કરે છે અને એ માટે રાજકીય અને પ્રજા સ્તરે આંદોલન કરવાની ચેતવણી પણ આપે છે.
