ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 50-50 લાખની સહાયની માગ
ભરૂચ.
મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લાનું વહિવટી તંત્ર કુંભકરણની નિંન્દ્રામાંથી જાગે તે માટે શુક્રવારે લોક જનશક્તિ પાર્ટીના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પિપુડી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ બ્રિજોની ચકાસણી કરી તાકીદે મરામત કરાવવામાં આવે તેવી માગ કરી હતી. સાથે સાથે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકોના પરિવારને 50-50 લાખની સહાય આપવામાં આવે તેવી પણ માગ કરી હતી.
મહિસાગર નદી પરના ગંભીરા બ્રીજ અકસ્માતની ઘટના બાદ રાજ્યભરમાં વહિવટી તંત્ર જર્જરિત બ્રિજોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલાં તમામ ઓવરબ્રિજો તેમજ નળાઓ જેમ કે નંદેલાવ બ્રિજ, જંબુસર બાયપાસ બ્રિજ, અરગામા ભુખી ખાડી બ્રિજ, આમોદ-જંબુસર વચ્ચેનો ઢાઢર નદી પરનો બ્રિજ સહિતના બ્રિજો જર્જરિત હાલતમાં હોવાથી તેનું તાત્કાલિક અસરે રિપેરિંગ કરવામાં આવે તેવી માગ લોક જનશક્તિ પાર્ટીના જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠી તેમજ અન્ય આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ઉપરાંત ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકોને 50 લાખની સહાય આપવા, ઘાયલ દર્દીઓને સારી સારવાર મળે તેવુ આયોજન કરવાની માગ કરી હતી. સાથે સાથે ગંભીરા બ્રિજ અકસ્માતમાં જે અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો દોષિત છે તેમજ માર્ગ અને મકાન વિભાગની ટીમ સામે માનવ વધનો ગુનો નોંધવામાં આવે અને દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માગ કરી હતી.
