ભરૂચ.
વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ અને દોડવાડા ગામ વચ્ચે નાળા નીચેથી મહિલાની ગળુ કાપી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મામલામાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હત્યાનો કારસો મૃતક મહિલાના પતિએ જ રચ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પારિવારીક ઘરકંકાસને કારણે આવેશમાં આવી તેણે જ તેની પત્નીની હત્યા કરી હોવાની કબુલાત કરતાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામથી દોડવડા ગામ તરફ જવાના રોડ પર આવેલાં એક નાળા નીચેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. ટીમે તપાસ કરતા મહિલાના ગળાના ડાબી જુમાં તિક્ષ્ણ હથિયારથી ચાર ઇંચથી વધારે લાંબો અને બે ઇંચ કરતાં વધુ ઉંડો ઘા પડેલો જણાયો હતો. તેમજ તેના ડાબા ગાલ પર, દાઢીના ભાગે, ડાબા હાથની પહેલી અને ત્રીજી આગળી પાસે અને જમણા હાથનાી ત્રીજી અને ચોથી આંગળી વચ્ચે પણ તિક્ષ્ણ હથિયારના ઘાના નિશાન દેખાયાં હતાં. પોલીસે મામલામાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરતાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. તેના પતિએ જ તેની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
પોલીસની તપાસમાં મૃતકનું નામ ઋચિ અવસ્થી હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે તેના પતિનુું નામ રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ હોવાનું માાલુમ પડ્યું હતું. રાજેન્દ્ર શ્રીવાસ્તવના પહેલાં લગ્ન થયાં હતાં. તેમની પહેલી પત્નીનું વર્ષ 2018માં હ્રદયરોગના હૂમલાને કારણે મોત થયું હતું. જેથી તેમણે લખનઉની ઋચિ અવસ્થી સાથે વર્ષ 2019માં બીજા લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્ન બાદ ઋચિ અવાર નવાર તેના પિયરે જતી રહેતી હતી અને રૂપિયાનો બેફિકરાઇથી વપરાશ કરતી હતી. જેથી દંપતિ વચ્ચે તકરાર થઇ હતી. બીજી તરફ તે તેમના સંતાનોને ઘરમાં એકલાં મુકીને બહાર જતી રહેતી હતી.જેની રાજેન્દ્ર અને તેની વચ્ચે વારંવાર તકરાર થતી હતી. દરમિયાનમાં તેમની વચ્ચે પુન: ઉગ્ર ઝઘડો થતાં તેણે ઉશ્કેરાઇ જઇ ઘરના મંદિરમાં મુકેલી કટાર જેવું તિક્ષ્ણ હથિયાર લઇ ઋચિનું ગળું કાપી નાંખી તેની નિર્મમ હત્યા કરી હતી. જેબાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેણે તેની લાશને એક ચાદરમાં લપેટી દોડવાડા ગામ પાસેના નાળામાં તેનો મૃતદેહ ફેંકી દોધો હતો. પોલીસે હત્યારા પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તને ઝડપી પાડી હત્યામાાં વપરાયેલું હથિયાર મેળવવા સહિતના મુદ્દાઓને લઇને તેને કોર્ટ રજૂ તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
સોશિયલ મિડિયાથી મહિલાની ઓળખ થઇ મહિલાનો મૃતદેહ મળી આવ્યાં બાદ પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન મહિલાની ઓળખ મેળવવાનો હતો. જેના પગલે પોલીસે સોશિયલ મિડિયા તેમજ ન્યૂઝ વેબ પોર્ટલ સહિતના માધ્યમથી મહિલાનો ફોટો વાયરલ કરતાં મહિલા અંક્લેશ્વરની નિયમ ચોકડી પાસે આવેલાં શિવકૃપા બંગ્લોઝ ખાતે રહેતી ઋચિ અવસ્થી હોવાનું માલુમ પડ્યું હતું.
રાજેન્દ્ર અને ઋચિ મેટ્રીમોનિયલ સાઇટ પર મળ્યાં હતા યુપીના દેવરિયાના વતની અને અંકલેશ્વર ખાતે રહેતાં રાજેન્દ્રની પહેલી પત્નીનું 2018માં હ્રદયરોગના હૂમલાથી મોત થયાં બાદ તેના પરિવારજનો દ્વારા તેને બીજા લગ્ન કરી લેવા માટે દબાણ કરાતું હતું. જેના પગલે રાજેન્દ્રએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેથી તેણે મેટ્રીમોનિયલ સાઇટ પર એકાઉન્ટ બનાવ્યું હતું. દરમિયાનમાં લખનઉની ઋચિ અવસ્થી સાથે તેમનો સંપર્ક થયો હતો. બાદમાં તેઓએ વર્ષ 2019માં લગ્ન કરી લીધાં હતાં.
