ભરૂચ જિલ્લાના માર્ગો અને બ્રિજો, શૈક્ષણિક માળખાના મકાનો અંગે ઉંડાણપૂર્વક સમીક્ષા કરતા પ્રભારી સચિવ શાહમીના હુસેન
ભરૂચ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવશ્રીઓને જિલ્લાકક્ષાએ જઈને જાતનીરિક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. જેને ધ્યાને લઈ ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસેને જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ થયેલી કરવામાં આવેલી કામગીરીનો પ્રભારી સચિવશ્રીને ચિતાર આપ્યો હતો. માર્ગો ઉપર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ-નુકશાન બાદ દુરસ્તીકરણની કામગીરી, અંગે પ્રભારી સચિવશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં સમીક્ષા કરી હતી.
સચિવએ મુખ્યમંત્રીના દિશા-નિર્દેશો મુજબ, ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના માર્ગો, જીએસઆરડીસી, નોટીફાઈટ એરિયા, નગરપાલિકા તેના પર આવેલા બ્રિજોની સ્થિતિ, શું કામગીરી કરવામાં આવી વગેરે માહિતિ મેળવી હતી.પ્રભારી સચિવએ અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાંક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી.બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી, બ્રિજની ટ્રાફિક ભારક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાંઓના રોડ- રસ્તાની મરામત અને મોટરેબલ રહે તે માટે સૂચનો તેમણે કર્યા હતા.જિલ્લાના તમામ બ્રિજો લોકો માટે ખરેખર સુરક્ષિત છે કે નથી તેનું વિશ્લેષણ કરી રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. તેમણે જરૂરી રીપેરિંગ, મેઈન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન કરી ડાયવર્ઝન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
પ્રભારી સચિવએ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પંચાયત ઘર અંગે પણ ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જોખમ હોય તેવી તમામ બિલ્ડીંગ બંધ કરવા અને આ માળખાંની સ્થિતિને સુદૃઢ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાના સૂચનો આપ્યા હતા.જિલ્લામાં સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. મુખ્ય રોડને અડીને શાળા હોય તો રોડ પર બમ્પ બનાવવા, સાઈનબોર્ડ મારવા સહિતની સૂચના તેમણે આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ માળખાગત સુધારાઓ તેમજ કામગીરીના નિરીક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવાઈ રહ્યા છે. તેઓએ કામગીરીની ગુણવત્તા તેમજ સમયમર્યાદા અંગે ચર્ચા કરી નિર્ણાયક ભૂમિકા ધરાવતા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કરવાની થતી કામગીરી સહિત સાવચેતી અને સલામતી સાથે પરિણામલક્ષી કામગીરી થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારીઓ,નાયબ કલેક્ટરઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
