ભરૂચ.
ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેકો જશવંતભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે, વેજલપુર બામણિયા ઓવારા વિસ્તારમાં ચુડેલ માતાના મંદિર પાસે રહેતો હિતેશ નટવર વસાવા તેના રહેણાંક મકાનમાં વિદેશીદારૂ લાવી છુટક વેચાણ કરે છે. જેના પગલે ટીમે તેના ઘરે દરોડો પાડતાં હિતેશ વસાવા તેના ઘરે જ હાજર મળી આવ્યો હતો. ટીમે તેને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતાં ઘરમાં બાથરૂમ પાસે અલગ અલગ કંપનીના વિદેશીદારૂની બોટલોની સિલબદ્ધ પેટીઓ મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિદેશીદારુની ગણતરી કરતાં તેના ઘરમાંથી કુલ 1.33 લાખથી વધુની મત્તાનો વિદેશીદારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે તેની પાસેથી વિદેશદારૂ તેમજ એક મોબાઇલ સહિત 1.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હિતેશની પુછપરછ હાથ ધરી હતી. ટીમે તે વિદેશી દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો, કોને વેચાણ કરનાર હતો. તે સહિતની વિગતની પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, તેણે વાલીયાના રાજેશ વસાવા નામના બૂટલેગર પાસેથી વિદેશીદારૂ લાવ્યો હતો. અને તે તેના ઘરેથી જ તેનું છુટક વેચાણ કરે છે. પોલીસે વાલિયાના રાજેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
