ડાબા કાંઠા ભાડભૂત બેરેજ ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ કલેકટરને આવેદન
હાઈકોર્ટે જૂની સંપાદન પ્રક્રિયામાં ક્ષતિ હોવાથી તેને રદ કરવાનો હુકમ કર્યો હતો
ભરૂચ
ભાડભૂત બેરેજ યોજનામાં ડુબાણમાં ગયેલી જમીનના વળતર મુદ્દે હાઈકોર્ટમાં ગયેલાં ખેડૂતોની તરફેણમાં અદાલતનો હુકમ થયો છે. ત્યારે સોમવારે ખેડૂત સમન્વય સમિતિ (ડાબા કાંઠા ભાડભૂત બેરેજ) દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી હવે જયારે જૂની જમીન સંપાદન પક્રિયા રદ કરવામાં આવી છે ત્યારે નવી જમીન સંપાદનની પ્રક્રિયામાં રાજ્ય સરકાર દ્વારા સુચિત નવા જંત્રી ડ્રાકટ ૨૦૨૪ જાહેર કરી છે તે મુજબનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.
નર્મદા નદી પર ભાડભૂત ગામ પાસે આકાર પામી રહેલી બેરેજ યોજના અંતર્ગત નદીની બન્ને તરફ એટલે કે અંકલેશ્વર અને ભરૂચ તરફ પાળા બનાવવા સહિતની કામગીરી કરવામાં આવશે. જેના પગલે તે માટે સંપાદિત થતી જમીન પૈકીની ડુબાણમાં ગયેલી જમીનના પતિ ચોરસ ફૂટ ૪૮ પૈસા તેમજ ઉપજાઉ જમીનના ૩.૬૦ રૂપિયાનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં ખેડૂતોએ સમગ્ર જમીન સંપાદનની પ્રક્રિયામાં ક્ષતિ હોવાના આરોપ સાથે હાઈકોર્ટમાં તેને પડકારતાં સરકારે તેનો નિર્ણય પરત લેવામાં આવતાં કોર્ટે ખેડૂતો તરકે હુકમ કર્યો હતો.
ખેડૂત સમન્વય સમિતીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં જમીન સંપાદનની જૂની પ્રક્રિયાને રદ કરવાની જે હુકમ કરવામાં આવ્યો છે તેને ખેડૂતો આવકારે છે. હવે જમીન સંપાદન પ્રક્રિયા ગુજરાત સુધાર અધિનિમ-2016ની કલમ-૨૮(૨) અનુસાર કોઈ પયા વિસ્તારની ફરજિયાતપણ બજાર કિંમત રિવાઈઝડ કરવાની જોગવાઈ કરવામાં આવી હોય તે પ્રક્રિયાનું પાલન કરવામાં આવે તેવી તેવી માંગ તેમણે કરી હતી. ઉપરાંત હવે જ્યારે જમીન સંપાદન પ્રક્રિયા નવેસરથી કરવામાં આવનાર છે. જેને પગલે વર્ષ ૨૦૨૫ની બજાર કિંમત અને રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સુચિત જંત્રી ડ્રાફ્ટ ૨૦૨૪ મુજબનું વળતર આપવામાં આવે તેવી માગ કરી હતી.
અમારી નવી જંત્રી મુજબ વળતરની માંગણી છે ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત થયેલી જમીનો પૈકીની કેટલીયે જમીન પર ક્રિકેટ ગ્રાઉન્ડ, ગાર્ડન સહિતના હોવાનું જણાવી અગાઉ અમારી ડૂબાણમાં ગયેલી જમીનનો ખુબ ઓછો ભાવ નક્કી કરાયો હતો. જોકે, હાઈકોર્ટમાં કલેક્ટર દ્વારા તેમા કરેલી સ્પષ્ટતા બાદ હવે જયારે હાઈકોર્ટ જૂની સંપાદનની પક્રિયા રદ કરવાનો હુકમ કર્યો છે. ત્યારે નવી પ્રક્રિયામાં સુચિત જત્રી ડ્રાફ્ટ ૨૦૨૪ મુજબ વળતર અપાય તેવી માગ છે. -હિરેન ભટ્ટ, આગેવાન, ખેડૂત સમન્વય સમિતિ, ભરૂચ,
સંપાદનની નવી પ્રક્રિયાથી ખેડૂતોને સારો ભાવ મળશે જમીન સંપાદનની પક્રિયામાં કાયદાકિય ગૂંચ આવી હતી. તેને લઈને ખેડૂતો કોર્ટ જવાના હતાં. દરમિયાનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ધ્યાને સમગ્ર વાત આવતાં તેમણે તેની વિગતો મેળવી સંલગ્ન લોકો સાથે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ કાયદાકિય ગૂંચને દૂર કરવા માટેની સુચના આપતા હવે ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા નવેસરથી થશે અને હવે ખેડૂતોને સારો ભાવ મળશે તેવો આશાવાદ જન્મ્યો છે - નિપુલ પટેલ, મહામંત્રી, ભાજપ કિશાન મોરચા
