દિવસભર વાદળછાયું વાતાવરણ, સુર્યદેવના દર્શન જ ન થયાં
ભરૂચ.
ભરૂચ શહેર જિલ્લામાં બુધવારે મેઘરાજાની મહેર જોવા મળી હતી. વહેલી સવારથી જ એકંદરે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો હતો. છુટાછવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લામાં સાંજના ચાર વાગ્યા સુધી નેત્રંગમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ વરસાદની હાજરી નોંધાઈ હતી. વહેલી સવારથી જ આકાશ વાદળોથી છવાયેલું રહેવાને કારણે એકંદરે દિવસભર સુરજદાદાના દર્શન થયાં ન હતાં.
ભરૂચ સહેર જિલ્લામાં શ્રાવણ મહિલના અંતિમ દિવસોમાં શ્રાવણના સરવૈયાનો માહોલ જાગ્યો છે. સાતમ દિવસે બપોર બાદથી છુટાછવાયો વરસાદ શરૂ થયો છે. તેમાંય આઠમના દિવસે જોરદાર હાજરી નોંધાવ્યા બાદ હવે પુનઃ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સવારથી જ આકાશમાં વાદળોની ફોજ જોવા મળી હતી. સવારથી જ લગભગ સમગ્ર જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાનું શરૂ થઈ ગયું હતું. ભરૂચમાં સવારના ૧૦ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે નેત્રંગ પંથકમાં મેઘરાજાએ ધબરાટી બોલાવી હતી. સવારના ૧૦થી ૧૨ વાગ્યાના સમયગાળા દરમિયાન ૩૧ મીમી એટલે કે અંદાજે સવા એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જે બાદ ૧૨ થી બે વાગ્યાના ગાળામાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વાલિયામાં પણ સવારના ૧૦થી ૧૨ વાગ્યાના સમયગાળામાં ૨૧ મીમી એટલે કે એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતાં એક્તરફ ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભિતી સેવાઈ રહી હતી. જોકે, છેલ્લાં ચારેક દિવસથી વરસાદે હાજરી આપતાં પાકને જીવનદાન મળ્યું હતું. વરસાદી માહોલ જામતાં ખેડૂતોના ચહેરા પણ ખીલી ગયાં હતાં.
બોક્ષ : વરસાદના આંકડા (સવારના ૬થી બપોરના ૪ સુધી) તાલુકો વરસાદ (મીમીમાં) જંબુસર-01 આમોદ-04 વાગરા-05 ભરૂચ-15 ઝઘડિયા-14 અંકલેશ્વર-09 હાંસોટ-09 વાલિયા-29 નેત્રંગ-60
આમોદ-જંબુસર અને વાગરામાં નહીવત વરસાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં ભરૂચ જિલ્લામાં ૧૮,૧૯ અને ૨૦ તારીકે છુટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ ૨૧, ૨૨ અને ૨૩મી તારીકે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ હતી. તાજેતરમાં વરસેલાં વરસાદમાં જિલ્લાના ૯ તાલુકા પૈકી આમોદ, જંબુસર અને વાગરામાં નહીવત જેવો વરસાદ નોંધાયો હતો.
