– 12 વર્ષથી અટકેલી સુવિધાઓ – સોસાયટી હેન્ડઓવર ન થતા રહીશો આક્રોશિત
– ભરૂચમાં મલ્હાર ગ્રીન સિટીના રહીશોનો બિલ્ડર વિરુદ્ધ બળવો
ભરૂચ.
ભરૂચ શહેરની મલ્હાર ગ્રીન સિટી સોસાયટીના રહીશો દ્વારા આજે બિલ્ડર સામે સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડરે મકાન વેચાણ સમયે અનેક સુવિધાઓ આપવાના વાયદા કર્યા હતા, પરંતુ છેલ્લા 12 વર્ષથી કોઈપણ સુવિધા પૂરી પાડવામાં આવી નથી અને સોસાયટીનો વહીવટ પણ હજી સુધી હેન્ડઓવર કરવામાં આવ્યો નથી.
રહીશો અને તેમના પરિવારજનો સોસાયટીના ગેટ પર ભેગા થઈ હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર સાથે બિલ્ડર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે વર્ષ 2012માં બનેલી આ સોસાયટીમાં મકાન ખરીદનારાઓને બિલ્ડર દ્વારા ફાયર સેફ્ટી સિસ્ટમ, CCTV કેમેરા, કોમન પ્લોટ, કલબ હાઉસ, રસ્તા, લાઈટિંગ સહિત અનેક સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આજદિન સુધી કોઈપણ સુવિધાનો લાભ મળ્યો નથી.
હાલ સોસાયટીના રહીશોનું કહેવું છે કે બિલ્ડર હિતેશભાઈ, જે સોસાયટીના પ્રમુખ પણ છે, તેઓ વચનો પૂરાં કરવામાં નિષ્ફળ રહ્યા છે. રહેવાસીઓએ જાળવણી ખર્ચ સમયસર ચૂકવ્યો હોવા છતાં મેઇન્ટેનન્સની વ્યવસ્થા થતી નથી. જેના કારણે રહેવાસીઓને દૈનિક જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આજ યોજાયેલી પત્રકાર પરિષદમાં રહીશો દ્વારા બિલ્ડરને તાત્કાલિક વાર્ષિક સામાન્ય સભા બોલાવવા અને સોસાયટીનો વહીવટ રહીશો ને સોંપવાની માંગણી કરવામાં આવી. સાથે જ છેલ્લા 12 વર્ષથી અટકેલી સુવિધાઓની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ પણ ઉઠાવવામાં આવી.
રહીશોનું કહેવું છે કે જો બિલ્ડર આગામી દિવસોમાં સોસાયટી હેન્ડઓવર કરવાના અને સુવિધાઓ પૂરી પાડવાના મુદ્દે કોઈ પગલા નહીં ભરે તો તેઓ કલેક્ટરને આવેદનપત્ર આપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે.
મલ્હાર ગ્રીન સિટી સોસાયટીના રહીશો બિલ્ડર પાસેથી વચન મુજબની સુવિધાઓ અને સોસાયટીનો વહીવટ તાત્કાલિક સોંપવામાં આવે તે માટે દ્રઢપણે આગ્રહ કરી રહ્યા છે. હવે બિલ્ડર આ રહેવાસીઓની માંગણીઓને સંતોષે છે કે નહીં તે જોવું રહ્યું.
વચન આપેલી પરંતુ અધૂરી રહેલી સુવિધાઓ - ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત નથી - CCTV કેમેરાની સુવિધા પૂરી પાડવામાં આવી નથી - કોમન પ્લોટ, કલબ હાઉસ, રસ્તા અને લાઇટિંગના કામ અધૂરા - જાળવણી ખર્ચ વસુલવા છતાં મેઇન્ટેનન્સની કોઈ વ્યવસ્થા નહીં
